ભાવનગર જિલ્લા માં નિસર્ગ વાવાઝોડા ની અસર ને લઈ છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ છે તેવે સમયે ભાવનગરના દરિયામાં ભેદી બ્લાસ્ટ થતા તંત્ર દોડતું થઈ ગયું છે. ભાવનગરના કુડા ગામ પાસે મધદરિયે ભેદી બ્લાસ્ટ થયો છે જેનું કારણ જાણી શકાયું નથી. ભાવનગરના દરિયામાં બ્લાસ્ટને લઈને તંત્ર સાબદું થઈ ગયું છે. ભાવનગરના કુડા ગામ પાસે દરિયાની વચ્ચે ભેદી બ્લાસ્ટ થયા બાદ ઊંચે સુધી કાળા ધુમાડા દેખાયા હતા. હાલ વાવાઝોડા ની અસર હેઠળ વાતાવરણ માં ભારે પવન અને વરસાદ નો માહોલ છે અને આકાશ વાદળછાયુ છે ત્યારે આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હવે સૌરાષ્ટ્રને નિસર્ગ વાવાઝોડાથી કોઈ ખતરો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી દીધી છે. હાલ ભાવનગર બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ આ બધા વચ્ચે બ્લાસ્ટ ની ઘટના એ ભારે ચર્ચા જગાવી છે.
