હાલમાં ભારત માં જોવા મળેલા કોરોના વાયરસ ના નવા સ્ટ્રેન ને લઈ AIIMSના ડો. ગુલેરિયાએ માહિતી આપતા જણાવ્યું કે બ્રિટનનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર કે ડિસેમ્બરમાં જ આવી ગયો હોય એવું પણ બની શકે.
તેઓ એ ઉમેર્યુ કે યૂકેથી ફેલાયેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન વધારે ચેપી છે. આ એક ચિંતાનો વિષય છે. તેઓએ એમ પણ કહ્યું કે નવા સ્ટ્રેનથી ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધશે તો અમે કાર્યવાહી કરવામાં સક્ષમ છીએ.
ડો. ગુલેરિયાએ કહ્યું કે કોરોના મામલે ભારત હાલમાં સારી સ્થિતિમાં છે. અહીં સરેરાશ દૈનિક કેસમાં ઘટાડો થયો છે. રિકવરી રેટ પણ વધ્યો છે અને મૃત્યુદર ઘટ્યો છે. તેઓએ કહ્યું કે તેમછતાં નવા સ્ટ્રેનના કારણે વધારે સાવધાની રાખવાની જરૂર છે.
ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર ડો. ગુલેરિયાએ કહ્યું કે આ સારા સમાચાર છે કે આ વેક્સીનને બ્રિટનમાં મંજૂરી મળી છે. તેની પાસે મજબૂત આંકડા છે. ભારતમાં ટીકા સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત કરાઈ રહ્યા છે. આ ભારત માટે જ નહીં પણ દુનિયા માટે મોટું પગલું છે.
દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા પર એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ કહ્યું કે જ્યાં સુધી વેક્સીનેશનનો સવાલ છે અમારી પાસે મજબૂત યોજના છે. અમે સાર્વભૌમિક વેક્સીનેશન કાર્યક્રમના રૂપે બાળકો અને ગર્ભવતી મહિલાઓને વેક્સીન આપીએ છીએ. વેક્સીનને 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સ્ટોર કરવા માટે એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો ભારત માટે સરળ રહેશે. એમ તેઓ એ ઉમેર્યુ હતું.
