બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામમાં રાજકોટ-ભાવનગર ચોકડી નજીક આવેલ એક પાન પાર્લર પાસે ખાનગી ડ્રેસ માં આવેલ પોલીસે કાર પાર્કિંગ કરતા પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી બાદ પાન ના ગલ્લા વાળા ને પોલીસે માર મારતા મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ ઉપર હુમલો કરતા ટીયરગેસ ના સેલ છોડવાની ફરજ પડી હતી. વિગતો મુજબ ઢસાગામ ચોકડી પાસે એક પાનની દુકાન સામે પોલીસ સ્ટાફ ના માણસોએ એક કાર પાર્ક કરતા દુકાનદાર તરફથી અડચણ ના થાય એ રીતે કાર પાર્ક કરવા અને ત્યાંથી કાર લઈ લેવા જણાવતા આ કારમાં સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતાં મામલો ભારે બિચક્યો હતો અને ઘટના એ ઉગ્ર રૂપ ધારણ કરતા ત્રણેક વ્યક્તિને ઇજાઓ થઈ હતી.
જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા એ જણાવ્યું હતું કે ગઢડા તાલુકાના ઢસા ગામે પાનની દુકાનદાર અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે નજીવી બાબતે થયેલ બોલાચાલી મામલે મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ મથકે એકઠા થયા હતા અને પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી જેથી ટોળા ને વિખેરવા પોલીસ દ્વારા 3 થી 4 સેલ ટીયરગેસ ના છોડીયા હતા જયારે અમુક નામ જોગ તેમજ 150 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ રાયોટીગ સહિતની ફરીયાદ દાખલ કરી છે તેમજ સામા પક્ષના આગેવાનોએ પણ કરેલ રજુઆત બાબતે અમે તપાસ કરીશું એમ જણાવ્યું હતું.
