રાજકોટ નજીક આવેલ ગોંડલ શહેર સ્થિત ભગવતપરા શાળા નંબર 5 નજીક આવેલા બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા ભારે દોડધામ મચી ગઇ હતી અને દીપડા ને પકડવા માટે ગયેલી વન વિભાગ ની ટીમ ઉપર દીપડા એ હુમલો કરી દેતા એક વન અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા.
સ્થાનિક લોકો ના ટોળે ટોળા ઉમટી પડતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. જોકે, આ અંગે વધારાની વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને દીપડાને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધર્યા હતા. અહીં બંધ મકાનમાં દીપડો ઘૂસી જતા લોકો ની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી અને આ અંગે કોલ મળતા જ્યારે વનવિભાગના અધિકારી સ્થળ ઉપર ગયા ત્યારે જ દીપડાએ તેઓ ઉપર હુમલો કરતા તેઓ લોહીલૂહાણ બન્યા હતા જેઓ ને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ માં લઇ જવાયા હતા.
હુમલા બાદ દીપડો ઘરમાંથી બહાર નીકળતા જ લોકો પોતાના મકાનો ની છત ઉપર ચડી ગયા હતા. બીજી તરફ ઘટના ની જાણ કરાતા જ વન વિભાગ ના તમામ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને રેસ્ક્યુ માટે ખાસ જૂનાગઢ થી ટીમ બોલાવવા માં આવી છે અને પીંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડોક્ટરની ટીમ પણ આવી ગઈ છે. દીપડાને બેભાન કરીને પીંજરે પુરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે, આ ઘટના એ સમગ્ર પંથક માં ભારે ચકચાર જગાવી છે.