જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના ધર્મપત્ની રિવાબા જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે અને દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવી ખાતાદીઠ રૂપિયા 11 હજાર જમા કરાવવા સાથે તેઓના માતા-પિતા માટે ફનફેરનું પણ આયોજન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11 હજારની ડિપોઝિટ દીકરીઓના નામે મૂકી હતી. જ્યારે આ વખતે લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં હતાં.
આ પહેલાં પણ રિવાબાએ દીકરીઓને સોનાના ખડગ બનાવી ભેટમાં આપ્યાં હતાં. રિવાબા સામાજિક સેવા સાથે સંકળાયેલાં હોવાથી તેઓ પોતાના પરિવારના દરેક પ્રસંગની ઉજવણી સામાજિક કાર્ય-સેવા કરીને ઉજવે છે.
આમ,ખોટા ખર્ચ નહિ કરી તે રકમ દરેક સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ માટે ખર્ચ કરી સાદગી પૂર્વક પોતાની દીકરીનો બર્થડે મનાવ્યો હતો.
