અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે મંજૂરી વગર જ 18 જેટલા સમૂહ લગ્ન યોજાતા પોલીસ ત્રાટકતા અફડાતફડી મચી ગઈ અને તમામ જાનૈયા વરરાજા કન્યા સહિત લગ્ન સ્થળેથી પોતપોતાના ગામ તરફ રવાના થવાના દ્રશ્યો સર્જાયા હતા.
અમરેલી નજીક આવેલ ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આયોજક એ કોરોના કાળમાં સમૂહ લગ્ન ની પરમિશન નહિ લેતા આ ઘટના બની હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન અહીં લગ્નના સ્થળે સેનેટાઇઝર, હેન્ડવોશ કે માસ્ક જેવી કોઇ વ્યવસ્થા ન હોવાનુ જણાયુ હતુ. અહી પરમીશન વગર જ એક હજાર કરતા વધુ લોકોની રસોઇ બનાવી ભોજન સમારંભનુ આયોજન કરાયુ હતુ. તાલુકા પોલીસે ચાંદગઢના જ સુરેશ વાલજી થળેસા (ઉ.વ.36)ને હસ્તગત કરી તેની સામે જુદાજુદા જાહેરનામાનો ભંગ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સૌરાષ્ટ્રમા જ્ઞાતિઓના રિવાજો પ્રમાણે લીધેલા લગ્ન અટકતા નથી. જેને પગલે અહીથી નાસેલા વર અને કન્યા પક્ષના લોકોએ પોત પોતાની અનુકુળતાવાળા સ્થળોએ પહેાંચી તાબડતોબ વ્યવસ્થાઓ ઉભી કરી લગ્ન વિધીઓ કરાવવી પડી હોવાના અહેવાલ જાણવા મળ્યા છે.
