(સૈયદ શકીલ દ્વારા) : 1980માં જનસંઘમાંથી ભાજપની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને આજદિન સુધી એટલે કે 38 વર્ષના સમયગાળા દરિમયાન ગુજરાતે ભાજપને ખોબે-ખોબે વોટ આપીને વધાવ્યો છે અને તેમાં પાટીદાર સમાજનું યોગદાન જ મહત્વનું રહ્યું છે. આજે ભાજપને દેશમાંથી સૌથી વધુ ફંડ મળતું હોય તે ગુજરાત છે અને તેમાંય વળી પાટીદારો જ અગ્ર હરોળમાં આવે છે.
પુરુષોત્તમ રૂપાલાને સીએમ બનાવવાની વાત આવતા ભાજપની છાવણીમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં આની મોટાપાયા પર ચર્ચા ચાલી છે કે શું આ સાચું છે? લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં આવું શક્ય છે કે કેમ? તો ચર્ચામાં આ માધ્યમથી જવાબ આપવાનો છે કે ગુજરાત ભાજપ આંદોલનકારીઓ અને વિપક્ષનું કાઉન્ટર કરવામાં નમાલું પુરવાર થયું છે. સ્ટ્રેટજી મેકર્સ ઊંધા માથે પડ્યા છે અને આઈટી સેલ ગોથા ખાઈ રહ્યું છે. ગુજરાતમાં ક્રાઈમ રેટ, બળાત્કાર અને જમીનના સોદાઓમાં કૌભાંડોની હારમાળા સર્જીઈ છે. મીડિયા સાથે પણ મબલખ સેટીંગ થઈ રહ્યું છે. ગુજરાત ભાજપનું લક્ષ્ય માત્ર કોંગ્રેસમાંથી કોંગ્રેસીઓને તોડીને ભાજપમાં લાવવામાં હોવાનું અનેક વાર સાબિત થઈ રહ્યું છે. ગુજરાતની રૂપાણી-પટેલ સરકાર યોજનાઓની સાગમટે જાહેરાત કરી રહી છે પણ અમલીકરણના નામે ગોકળગાય ગતિએ કામ થઈ રહ્યું છે. લોકોને જેટલો જલ્દી ફાયદો પહોંચવો જોઈએ તે પહોંચી રહ્યો નથી અને ઉલ્ટાનું સરકારના માથામાં વધુને વધુ દુખાવો થઈ રહ્યો છે.
પુરુષોત્તમ રૂપાલાનું નામ આવતાં કેટલાકના ભવાં ચઢ્યા તો અસ્સલ ભાજપના કાર્યકરોએ વધામણા કર્યા. રૂપાલા કડવા પાટીદાર છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજદિન સુધી ભાજપ-કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈએ પણ કડવા પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા નથી. લેઉવા પાટીદાર અને કણબી પટેલ પણ મુખ્યમંત્રી બની ગયા પરંતુ કડવા પાટીદારોને સતતને સતત અન્યાય અને તેમની અવહેલના કરવામાં આવી. રૂપાલાને સીએમની ખુરશી આપી ભાજપ કડવા પાટીદારોને થયેલા અન્યાયને દુર કરી શકવાની ગણતરી રાખે છે.
બીજું એ કે ગુજરાતમાં આંદોલનોની ભરમાર છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ ભાજપ કી નાકમેં દમ કર રખ્ખા હૈ. રૂપાલાનું નામ આવતા ત્રણેય આંદોલનકારીઓ માટે તેમની માંગોનો રસ્તો આસાન બની શકે છે અને ન પણ બને તો રૂપાલા આંદોલનકારીઓને કાબૂમાં રાખી શકે છે એવી પણ એક ગણતરી ભાજપના મોભીઓ રાખી રહ્યા છે.
ભાજપમાં જૂથવાદ ફુલ્યોફાલ્યો છે. અલગ અલગ નવ જેટલા જૂથ અસ્તિત્વમાં આવી ગયા છે. જાતિ અને વિસ્તાર પ્રમાણે આ જૂથો પાર્ટીમાં પોતાની માંગો અને ફાઈલોને પાસ કરવામાં સમાજના નામની વગ વાપરે છે. રૂપાલા આવે તો આ બધી જૂથબંઘી પર બ્રેક લાગી શકે છે અને કેડર બેઝ પાર્ટીની કેડર ફરીથી કાર્યાન્વિત થઈ શકે છે.
ગુજરાત સરકારમાં અધિકારી રાજ ચાલી રહ્યો છે. અધિકારીઓ પાસે એટલું બધું ખોટું કરાવવામાં આવી રહ્યું છે કે રોજે-રોજ નવા ભોપાળા બહાર આવી રહ્યા છે. આ તો વિપક્ષ કોંગ્રેસ નબળો છે બાકી કોંગ્રેસની જગ્યાએ ભાજપ વિપક્ષમાં હોય અને કોંગ્રેસની સરકાર હોત તો આજે આખાય ગુજરાતમાં રસ્તે કોંગ્રેસના સીએમના પૂતળાઓનું દહન થતું હોત.
કૌભાંડો અને ભ્રષ્ટાચારમા લિપ્ત ગુજરાત માટે રૂપાલાને અંકૂશાત્મક સબળ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. રૂપાલા પાસે સંગઠન અને સરકાર એમ બન્નેની પકડ છે. તેઓ બહોળો અનુભવ ધરાવી રહ્યા છે. રૂપાલા પાસે નિર્ણય લેવાની તાકાત મોદી સરીખી છે અને બાથ ભીડવાની પણ ત્રેવડ તેઓ રાખે છે. આંદોલનકારીઓ હોય કે વિપક્ષ હોય કે શંકરસિંહ વાઘેલાના હાકોટા, તોખારા હોય, રૂપાલા બઘાને પહોંચી વળશે એવો રિપોર્ટ સંઘના નેતાઓએ ભાજપના મોભીઓ સુધી પહોંચાડ્યો છે.
હવે રહી વાત સંગઠનની તો. જીતુ વાઘાણી એ રૂપાલાની જ શોધ છે. વાઘાણી રૂપાલાને પોતાના રાજકીય ગુરુ માને છે અને ગુરુ-ચેલા વચ્ચે જામે પણ છે. હાલ સંગઠન અને સરકાર વચ્ચે ખાઈ પડી ગઈ છે. આ ખાઈને પણ રૂપાલા દુર કરી શકે છે એવી ગણતરી સંઘના નેતાઓ રાખી રહ્યા છે. વર્ષોથી વડાપ્રધાન મોદની નજીકના મનાય છે. કેન્દ્ર સરકારમાં પણ નરેન્દ્ર મોદી તેમને વાયા રાજ્યસભા સંસદનમાં લઈ ગયા અને મંત્રી પણ બનાવ્યા છે. સંઘના ભૈય્યાજી જોશી હોય કે કૃષ્ણમૂર્તિ તમામની સાથે રૂપાલાના સારાવાના છે. સંઘને રૂપાલામાં એઝ સીએમ નરેન્દ્ર મોદીની આભા જોવાઈ રહી છે. સંઘ માને છે કે મોદી બાદ ગુજરાતને ઠીક કરવાનું કામ રૂપાલા જ કરી શકે એમ છે.