ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(GPCC)ની જાહેરાત કરવામાં આવી છે. જમ્બો જેટ જેવી યાદીમાં અનેક નવા નામો છે તો જૂના જોગીઓને પણ યાદ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી કોઈને સ્થાન આપવામાં આવ્યું નથી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જાહેર કરાયેલા જમ્બો માળખામાં 22 ઉપપ્રમુખ, ખચનચી તરીકે સંદીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. 43 જનરલ સેક્રેટરી, 11 પ્રવક્તા, 169 સેક્રેટરી, 6 પ્રોટોકોલ સેક્રેટરી,7 જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર, કાયમી આમંત્રિત તરીકે 41 મેમ્બર, ખાસ આમંત્રિત તરીકે 54 મેમ્બરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતમાંથી મહેન્દ્રસિંહ સુરતીયાને મંત્રીમાંથી પ્રમોશન આપવામાં આવ્યું છે અને ઉપ્રમુખ બનાવવામાં આવ્યા છે. મહેન્દ્રસિંહની સામે વિરોધનું સૂરસૂરિયું થઈ ગયું છે. મહેન્દ્રસિંહ ઉપરાંત સુરત કોંગ્રેસના સૌથી વયોવૃદ્વ એવા 84 વર્ષના શંભુ પ્રજાપતિને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
જ્યારે ઈમીજીએટ પાસ્ટ પ્રેસીડન્ટ ઓફ સુરત એવા હસમુખ દેસાઈને પ્રદેશ કમિટીમાં સ્થાન મળ્યું છે. હસમુખ દેસાઈને જનરલ સેક્રેટરી બનાવાયા છે. જ્યારે નૈષધ દેસાઈને પ્રવક્તા તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.
169ના સેક્રેટરીના લિસ્ટમાં સુરતમાંથી અશોક પીપળે, કામરાન ઉસ્માની, વિપુલ ઉધનાવાળા, અસલમ સાયકલવાલા, ડીપી વેકરીયા, અશોક કોઠારી, સુનીલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી તરીકે પાછલા સાત વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત એવા ફિરોઝ મલેકની બાદબાકી થઈ છે. આ ઉપરાંત બાબુ કાપડીયા, ઈકબાલ મલેક, દીપ નાયક વગેરેના ચર્ચાતા નામોમાંથી પણ કોઈને સ્થાન મળ્યું નથી.
પ્રોટોકોલ સેક્રેટરીની યાદીમાં સુરતમાંથી ભાવેશ રબારી જ્યારે એક્ઝિકયુટીવ કમિટીમાં હોશંગ મીરઝાને લેવામાં આવ્યા છે. કાયમી આમંત્રિતોમાં મોહન ધનજી પટેલ અને જવાહર ઉપાધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરતમાંથી પાટીદારોને જોઈએ તેટલા પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. સમખાવા પુરતો એક હોદ્દો આપી દેવામાં આવ્યો છે. તેવીજ રીતે લીંબાયત-ઉધનામાં ત્રણ-ત્રણ જણાને હોદ્દા આપી દેવાયા છે. સુરત સિટીમાંથી કોઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને બે મુસ્લિમ લેવામાં આવ્યા પણ કોટ વિસ્તારનું એક પણ નામ યાદીમાં જોવા મળી રહ્યું નથી. જ્યારે કે કોટ વિસ્તારમાં સુરત પૂર્વની લઘુમતિ માટેની ઉજળી તકો ધરાવતી સીટ આવે છે.
જવાહર ઉપાધ્યાય જૂથ હોય કે કદીર જૂથ હોય તમામને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યા છે અને સુરતમાંથી જૂના અને નવા એમ બન્ને ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.