ગુજરાત સરકાર અને ભાજપમાં મોટા ફેરફારોની ચાલી રહેલી ચર્ચામાં કોણે ક્યાં રહેશે અને કોણ ક્યાં જશે તેની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નુકશાન થવાની ગણતરીઓ મંડાઈ રહી છે. 2019ની ચૂંટણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જીવ સટોસટની લડાઈ બની રહેશે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખને પણ સાથો સાથ બદલી કાઢવામાં આવે તેવી વાતો ભાજપમાં આજકાલ હોટ ટોપિક બની ગઈ છે.
ભાજપ વર્તુળો મુજબ 2019ના નવા વર્ષની ઉજવણીનો પ્રારંભ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનથી થશે એવું માનવામાં આવે છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને મંત્રી મંડળમાં મોટા ફેરફારો કરી ભાજપ હાઈકમાન્ડ નવા વર્ષે નવા વધામણા કરી શકે છે.
ભાજપ વર્તુળો મુજબ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રીની પોસ્ટને નાબૂદ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. નીતિન પટેલને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવશે અને તેમને છત્તીસગઢના રાજ્યપાલ કે ગુજરાત વિધાનસભાના સ્પીકર બનાવી દેવાય તેવી સંભાવના ભાજપના નેતાઓ નકારી રહ્યા નથી. પણ એટલું ચોક્કસ છે કે નીતિન પટેલને ભાજપ હાઈકમાન્ડ હવે વધુ ચલાવી લેવા પર જણાતું નથી.
બીજી બાજું વિજય રૂપાણીને સન્માનજનક પદ આપી સાચવી લેવામાં આવશે. વિજય રૂપાણીને કેન્દ્ર કે રાજ્ય સ્તરે કોઈ પણ શિરપાવ આપવામાં આવે તેવી માહિતી મળી રહી છે. જ્યારે પુરુષોત્તમ રૂપાલાને મુખ્યમંત્રી બનાવી પાટીદારોને સાચવી લેવામાં આવશે અને નીતિન પટેલના પાટીદાર લેબલને આવી રીતે બેલેન્સ કરવામાં આવે તેવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.
એવું કહેવાય છે કે નીતિન પટેલના ઘોર વિરોધી તરીકે રૂપાલાનું નામ આવે છે. રૂપાલા ગુજરાત પાછા ફરે તો ભાજપની ગણતરી પ્રમાણે ગાંધીનગર સચિવાલયના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પર સરકારની પકડ આવશે. પેપર લીક કૌભાંડને સરકારની વહીવટી નિષ્ફળતા તરીકે જ જોવામાં આવે છે. રૂપાલા થકી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ જેવા આંદોલનકારીઓને પણ કાબૂમાં રાખવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.
ભાજપની નેતાગીરી માને છે કે ગુજરાતને આજે મોદી સરીખા મજબૂત મુખ્યમંત્રી એટલે રીંગ માસ્ટરની જરૂર છે. ઓપરેશન ગુજરાતમાં ધરખમ ફેરફારો સાથે ગુજરાત સરકાર અને ભાજપના સંગઠનને નવા વસ્ત્રો પહેરવવાની તૈયારીમાં ભાજપ હાઈકમાન્ડ હોવાનું જાણકારો કહી રહ્યા છે. જ્યારે સંગઠનમાં ઓબીસી સમાજના નેતાને પ્રમુખ બનાવી ઓબીસીની નારાજગી દુર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઓબીસી સમાજમાંથી શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યું છે. શકંર ચૌધરીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તેવું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.