કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા સોશિયલ મીડિયા પર આને લઈ ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના નિવેદનને લઈ વિવાદમાં ઘેરાયેલા સ્મૃતિ ઈરાનીએ ટીકાકારોને પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો તો ખરો પણ જે ફોટો મૂક્યો તેને લઈ નેટીઝન્સ દ્વારા જોરદાર ચર્ચા કરવામાં આવી રહી છે.
સ્મૃતિ ઈરાનીએ જે ફોટો શેર કર્યો તેમાં તેમનું મોઢું બંધાયેલું છે. ફોટો સાથે કેપ્શન લખી છે કે” હમ બોલેગે તો બોલોગે કે બોલતા હૈ.”
સ્મૃતિ ઈરાનીનો જવાબ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેટલાય લોકોએ આ ફોટોની ટીકા કરી છે, તો કેટલાકે જવાબ આપવાના ઈરાનીની આ સ્ટાઈલની પ્રશંસા કરી છે. જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે આજકાલનો નથી પણ જ્યારે સ્મૃતિ ઈરાની ટીવી સિરિયલમાં અભિનય આપી રહ્યા હતા ત્યારનો છે. કેટલાકે લખ્યું કે મોદી સરકારમાં મંત્રીઓની આ જ દશા છે. બોલી શકતા નથી અને બોલે તો ઠપકો મળે છે અથવા તો ચૂપ રહેવાનું કહી દેવામાં આવે છે.
સબરીમાલા અંગે ઈરાનીએ કહ્યું હતું કે રજસ્વલા અવસ્થામાં મહિલા લોહી સાથેનું પેડ લઈ મિત્રના ઘરે પણ જતી નથી તો ભગવાનના ઘરે કેવી રીતે જઈ શકે છે. ઈરાનીના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો અને મહિલા સંગઠનો અને વિપક્ષે તેમને સવાલોના ઘેરામાં લઈ લીધા હતા.
વિવાદ વકરતા સ્મૃતિ ઈરાનીએ ફેરવી તોળ્યું હતું કે પારસી સાથે લગ્ન કર્યા બાદ પણ મને મુંબઈના ફાયર ટેમ્પલમાં જવાની પરવાનગી અપાતી નથી. પણ આ નિર્ણયનો હું સન્માન કરું છું.