જસદણની પેટાચૂંટણી જાહેર થતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપે અત્યારથી જ જસદણને હાઈપ્રોફાઈલ ચૂંટણી બનાવતા વિપક્ષો પર આકરા પાણીએ ભાજપ સામે મેદાને પડશે એવા સંકતો મળી રહ્યા છે. કોંગ્રેસ ત્યાગી નેતા અને ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટાચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કમરકસી છે. હવે બાપુના ભાજપ હરાઓ અભિયાનથી ફાયદો કોંગ્રેસને થાય છે કે કેમ એ જોવાનું રહે છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થતાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં તેમણે અમદાવાદનું નામ બદલવાની ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાતને આડેહાથે લઈ કહ્યું કે અમદાવાદ એક હેરીટેજ સિટી છે. અનેક મંદિરો-મસ્જિદો અને ઐતિહાસિક ઈમારતોની ધરોહર ધરાવે છે. જો ભાજપને લાગતું હોય તો જુમ્મા મસ્જિદને પણ તોડી પાડો અને સીદી સૈયદની જાળીને પણ તોડી નાંખો. ભાજપની માનસિકતા જ ભાગલાવાદી છે.
તેમણે કહ્યું કે ભાજપની માનસિકતા એવી પણ છે કે આ શકંરસિંહ વાઘેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યો છે તો લો ને બરાબરનો દાવ.પણ એ લોકો ફાવવાના નથી. જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરીશ. વિપક્ષો એકજૂટ થી રહ્યા છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટેની માંગણી સાથે પત્ર પણ લખ્યો છે. તેમણે બેલેટ પેપરથી મત આપવાની માંગણી કરી છે. તેમાં પણ મતદાતા મત આપ્યા બાદ પોતાનો મત કોને પડ્યો તેની ચીઠ્ઠી પણ તેને મળે તે રીતની વ્યવસ્થા ગોઠવવાની પણ માાંગ કરી છે.
બાપુએ તેમણે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની ટુંકી દ્રષ્ટીથી કાશ્મીર ખોવાનો વારો આવશે. ગુજરાતમાં પણ કોઈ સરકાર નથી, મન પાવે તેમ લોકો કામ કરી રહ્યા છે. દિલ્હી સરકારમાં અનેક ચાપલુસ અધિકારીઓ છે, જે વાહવાહ કરે છે તેવા અધિકારીઓને મોટી મોટી પોસ્ટ આપી દેવામાં આવે છે.
બાપુએ મોદીનું નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ખુબ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચારના તાર ગુજરાતથી જોડાયા છે. ભાજપ સરકાર લોકશાહીનો ભંગ કરી રહી છે. તમામ સ્વાયત સરકારી સંસ્થાઓમાં પોતાના મળતીયા અધિકારીઓને લગાવી પોતાની દખલઅંદાજી કરી રહી છે. અગામી દિવસમાં લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશ. હું એન્ટી ભાજપ તરીકે કામ કરીશ.