RSSના મહાસચિવ ભૈયાજી જોશીએ સંઘની શિબિરના સમાપન દરમિયાન કહ્યું કે રામ મંદિર માટે જરૂર પડી તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. 1992નું આંદોલન એટલે શું? 1992નું વર્ષ ભારત દેશના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે. આ દિવસે મસ્જિદ જ ધ્વંશ કરાઈ ન હતી પણ દેશની જડબેસલાક કોમી એકતાને પણ ધ્વંશ કરવામાં આવી. આખા દેશમાં હિન્દુ-મુસ્લિમોએ કદી ન જોયેલા હોય તેવા કોમી રમખાણ જોયા હતા. ચારેતરફ હિંસા, નિર્મમતાપૂર્વક માણસોને સળગાવાયા અને લોહી નિતરતી લાશોથી ઉભરાયેલી સરકારી હોસ્પિટલોના દ્રશ્યો આજે પણ પટલ પરથી ખસતા નથી.
આખા દેશમાં મોટાપાયા પર મહાભયાનક કોમી દંગલ ખેલાયું. કાપાકાપી અને જીવતા માણસોને ભૂંજી નાંખવાની જાણે હોડ ચાલી હતી. આમાં સુરત સૌથી ભીષણ કાલીમાનો ભોગ બન્યું હતું. સુરતના વેડરોડ ખાતે આવેલા વિરામ નગર, વિશ્રામ નગર, રાંદેર રોડ પર પાલનપુર પાટીયા સહિતના વિસ્તારોમાં મુસ્લિમોને ઘરોમાં ઘુસીને કાપી નાંખવામાં આવ્યા. બળાત્કારની ઘટનાઓ બની. તે સમયે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રિયાઝ મુન્શીના બહેન અંજુમનની ઘટના કંપાવી નાંખનારી છે. વરાછા રોડ પર અંજુમ સાથે ટોળાએ પૈશાચી કૃત્ય આચર્યું અને તેનાથી સંતોષ ન થયો તેને આખરે મારી નાંખી.
સુરતના ડીંડોલી રેલવે ફાટક પર ભુસાવલ પેસેન્જરમાંથી પુરુષ,મહિલા અને બાળકોને મારી નાંખવામાં આવ્યા હતા. અરેરાટીપૂર્ણ ઘટનાઓનો સિલસિલો એટલો બધો લાંબો છે ગણતા ગણાય એમ નથી. તે વખતે કેન્દ્ર અને ગુજરાતની કોંગ્રેસ સરકારો લોહીની નદીઓ અટકાવવામાં સાવ નિષ્ફળ ગઈ હતી.
RSSની આંદોલનની ગર્ભિત ધમકી 1992માં પૈશાચી તાંડવનું પુનરાવર્તન કરવા માટેની તો નથીને? આજે ચારે તરફ ભાજપની સરકાર છે અને ભાજપની વિચારધારાનું ગૌત્ર RSS છે. RSSના એકેએક બોલ ઝીલવા ભાજપ તૈયાર હોય છે ત્યારે 1992 જેવુ આંદોલન કરવાની RSSની ધમકી ભયાવહ અને કંપારી છોડવનારી છે.
1992ના કોમી તોફાનો સુધી આ ખૂનામરકી અટકી ન હતી. ત્યાર બાદ રમખાણોનો બદલો લેવા માટે બોમ્બ વિસ્ફોટોની શ્રેણી શરૂ થઈ હતી. હજારો નિર્દોષ લોકો માર્યા ગયા. કહેવાનો મતલબ એ છે કે 1992 જેવું આંદોલન એ માત્ર કાર સેવા ન હતી પરંતુ તેના જે પડઘા પડ્યા અને દેશ વિભિષિકામાં ગરક થયો એ પણ ભૂલવું ન જોઈએ.
દેશની યુવા પેઢીને 25 વર્ષ પહેલાંની ઘટનામાં એટલું જ યાદ હશે કે બાબરી મસ્જિદનું કારસેવકોએ ધ્વંશ કર્યું હતું ત્યાર પછીની ઘટનાઓથી યુવા પેઢી અજાણ જ હશે. આપણે પ્રાર્થના કરીએ મંદિર-મસ્જિદનો મુંદ્દો કોમી સૌહાર્દને હાનિ નહીં પહોંચાડે અને ફરી પાછું દેશભરમાં કોઈ પણ નિર્દોષ હિન્દુ-મુસ્લિમનો જાન ન જાય.
રાજનીતિ હોઈ શકે છે પરંતુ લાશોના ઢગલા પર રમાતી રાજનીતિ દેશમાં કોમી હૂતાશનીની દ્યોતક બની રહે છે. કોમી દાવાનળની આગમાં દેશ ફરી ન શેકાય તેવી પ્રાર્થના જ કરવાની રહે છે. RSSના મહાસચિવની વાતને સહજતાથી લેવામાં ન આવે. આંદોલન થવા જોઈએ પણ લાશોના ઢગ તો ન જ ખડકાવા જોઈએ. મોદી સરકાર માટે આ એક પડકાર છે અને વિપક્ષો માટે પણ આ એક રેડ સિગ્નલ છે. યાદ રાખજો કે કોમી દાવાનળમાં ટોળાનો કોઈ ધર્મ હોતો નથી. ટોળું આખરે ટોળું હોય છે.