મધ્ય પ્રદેશના એક કોંગ્રેસ નેતા રમેશ સક્સેનાએ કોરોનાથી બચવા માટે એક અજીબ ઉપાય જણાવ્યો છે. તેમણે કહ્યું કે, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી લોકોને કોરોના વાયરસની બીમારીથી બચાવી શકાય છે. 1993 થી 2008 સુધી 4 વાર ધારાસભ્ય રહેનારા રમેશ સક્સેનાએ સીહોરમાં ગુરુવારે મીડિયા કર્મી સાથે વાત કરતા આ ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું હતું કે, આ હું દાવાની સાથે કહી શકું છું કે જો કોઈપણ પરિવારનો સભ્ય 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા માટે સાથે બેસે છે, જેમાં માત્ર અડધો કલાક લાગે છે તો તેમનું કોરોના કંઇ બગાડી શકે એમ નથી. એકવાર અપક્ષ ઉમેદવાર તરીકે અને ત્રણવાર ભાજપાની ટિકિટ પર ચૂંટણી જીતી ચૂકેલા સક્સેના ગયા વર્ષે જાન્યુઆરીમાં જ કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું છે કે, હનુમાન ચાલીસામાં એક પંક્તિ છે. નાસે રોગ હર સબ પીરા, જપત નિરંતર હનુમન વીરા(ભગવાન હનુમાનના નામનું સતત પાઠ દરેક રોગો અને દુઃખોને સાજા કરે છે).
આપણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. આ પહેલા સક્સેનાએ 2018માં વરસાદ અને ઓલાવૃષ્ટિ દરમિયાન પાકોને ક્ષતિગ્રસ્ત થવાથી રોકવા માટે આ રીતની સલાહ આપી હતી. સ્વાસ્થ્ય વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડૉ. સાહૂએ કહ્યું કે, આપણે સૌ ભગવાનમાં એક મજબૂત વિશ્વાસ રાખીએ છીએ અને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. પણ જ્યારે આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છે ત્યારે આ રીતના સૂચનો માત્ર સાર્વજનિક રૂપે ભ્રમ પેદા કરશે. ભાજપાના રાજ્ય શાખાના પ્રવક્તા રજનીશ અગ્રવાલે કહ્યું કે, પવિત્ર ગ્રંથો અને ભગવાનમાં આપણી આસ્થા આપણા મનોબળને પ્રોત્સાહન આપે છે. તેવી જ રીતે કોરોના સંકટનો સામનો કરવા માટે પણ પ્રતિરક્ષા શક્તિ પ્રોત્સાહ આપે છે પણ તેનો અર્થ એ નથી કે તેનાથી સૌ કોઈ કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થઈ જશે. જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં હોઈએ છીએ તો આપણે આ રીતનું કોઈ નિવેદન ન આપવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ તેને આંખ બંધ કરીને માની બેસે અને મેડિકલ સારવારથી બચતો રહે.