હૈદ્રાબાદના ઐતિહાસિક ચાર મીનાર ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ AIMIMના અધ્યક્ષ ઔવેસીને આડે હાથે લીધા હતા. ઔવેસીને તેમના ગઢમાં જ રાહુલે બરાબરના ઘેરી લીધા હતા. ઔવેસીની નીતિઓ પર સવાલ ઉઠાવી રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની વિચારધારા નફરત ફેલાવનારી છે. તેલંગાણી વિધાનસભા ચૂંટણી પ્રચારની કમાનને આક્રમક રીતે સંભાળી રાહુલ ગાંધીએ ઔવેસીની વિચારધારાને ભાજપની નફરત ફેલાવનારી વિચારાધારા સાથે સરખાવી હતી.
રાહુલે કહ્યું કે ભાજપની નફરત ફેલાવનારી વિચારધારાના ઔવેસી ભાગીદાર છે. બન્ને પાર્ટીઓની વિચારધારા એક જ છે. કોંગ્રેસ પ્રમુખે અસદુદ્દીન ઔવેસી પર કડક રીતે શાબ્દીક પ્રહારો કર્યા હતા. વિશાળ જનમેદનીએ તાળીઓથી રાહુલ ગાંધીને વધાવી લીધા હતા.
ચાર મીનાર ખાતેથી રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પણ હુમલા કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભારતના ઈતિહાસમાં પહેલી વાર એવા વડાપ્રધાન અને તેમના અનુયાયીઓ છે જે દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. સમગ્ર દેશમાં દલિત,આદિવાસી, મુસ્લિમ, મહિલાઓ અને અન્ય કમજોર લોકોને નફરતની વિચારધારાથી ડરાવવામાં આવી રહ્યા છે, આ તમામ લોકો ભયભીત છે.
રાહુલે કહ્યું કે આ દેશ કોઈ એક ધર્મ, જાતિ કે વિસ્તારનો નથી. તમામનો સમાન રીતે છે. દેશનું બંધારણ તમામને શાંતિપૂર્વક રહેવાનો અધિકાર આપે છે.
રાહુલે તેલંગાણા સરકાર વિરુદ્વ પણ આક્રમક રૂખ અપનાવી કહ્યું કે ભાજપ, ટીઆરએસ અને AIMIM બધા જ મળેલા છે. ટીઆરએસના ચંદ્રશેખર રાવે નોટબંધીનું સમર્થન કર્યું હતું. જ્યારે દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ નોટબંધીને મોટી ભૂલ ગણાવી હતી. એટલે ટીઆરએસની સરકારને સત્તાથી વિમુખ કરવાનો સમય આવી ગયો છે.
ચાર મીનાર ખાતે રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાંપ્રદાયિક સદભાવનાને પ્રોત્સાહિત કરવા રાહુલ ગાંધીએ સદભાવના યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.