પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટો ફટકો મારનારી બની રહે એમ લાગે છે. ચૂંટણીઓ અંગે જ્યોતિષીઓએ કરેલી આગાહી પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ સારી નથી અને કોંગ્રેસ પાતળી બહૂમતિ સાથે સત્તાનાં સૂત્રો હાંસલ કરે એવી શક્યતા જોવા મળી રહી છે.
રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે પાણીની જેમ પૈસા વાપરી રહ્યા હોવા છતાં રાજપૂતો, ગુર્જરો અને આદિવાસીઓ ભાજપથી વિમુખ થયેલા જણાય છે અને તેના કારણે કોંગ્રેસની સીટોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સ્પષ્ટ બહૂમતિ સાથે રાજસ્થાનમાં સત્તા હાંસલ કરે એવું જ્યોતિષીઓ કહી રહ્યા છે.
છત્તીસગઢમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. આ બન્ને માટે અજીત જોગી-માયાવતી રિમોટ કન્ટ્રોલની સ્થિતિમાં આવી શકે છે, છતાં પણ કોંગ્રેસ માટે એડવાન્ટેજ બની રહ્યું છે. બની શકે છે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવે તો ભાજપને સત્તામાં આવતો રોકવા માટે કોંગ્રેસ કર્ણાટકવાળી કરી અજીત જોગીને સીએમ તરીકે સ્વીકારી પણ શકે છે.
જ્યોતિષ શાસ્ત્રીઓના મત અનુસાર રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસનો આ વખતે સપાટો જોવા મળી રહ્યો છે. તેલંગાણામાં ટીઆરએસની પાતળી બહુમતિથી જીત દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની જેમ તેલંગાણાને મજબૂત વિરોઘ પક્ષ મળશે એવા અનુમાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે મિઝોરમમાં કોંગ્રેસ ફરી સત્તા સ્થાને આવી શકે છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ જ પણ દેશમાં રાહુલ ગાંધીનું કદ વધશે અને રાહુલ ગાંધીનું વધતું કદ એ નરેન્દ્ર મોદી માટે લોકસભાની ચૂંટણીના ઉપલક્ષ્યમાં મસમોટા પડકારરૂપ બની રહેશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપનો રાહ આસાન નહી હોય.
જો લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધન શક્ય બન્યું અને માયાવતી-અખિલેશ પણ સાથે આવ્યા તો યુપી અને બિહારમાં ભાજપ માટે લોકસભાની ચૂંટણી બહુ જ ટફ બની રહેવાની છે.