ઓફિસ ઓફ પ્રોફીટને લઈ આમ આદમી પાર્ટી(AAP)ને મોટી રાહત મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાભના પદનો ઉપયોગ કરવા બદલ AAPના 27 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવી દીધી છે. દિલ્હીની હોસ્પિટલો સાથે સંકળાયેલી રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી અને ઓફિસ ઓફ પ્રોફીટ અંતર્ગત ઘારાસભ્યો વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના અભિપ્રાયના આધારે ગેરલાયક ઠેરવવાની અરજીને ફગાવતા આદેશ પર સહી કરી દીધી છે. ચૂંટણી પંચે અરજીને વિચારયોગ્ય નહી માની હતી. જેથી કરીને આવા પ્રકારની અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ વિમર્શ કરી તે અરજીને ફરી ચૂંટણી પંચને મોકલી આપે છે. ત્યાર બાદ ચૂંટણી પંચ તેના પર અભિપ્રાય આપે છે અને પંચના અભિપ્રાય બાદ રાષ્ટ્રપતિ આદેશ આપે છે.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે 26મી એપ્રિલે આદેશ આપી રોગી કલ્યાણ સમિતિઓમાં સલાહ-સૂચન માટે અને આરોગ્યલક્ષી સેવા, સુવિધા અને યોજના બનાવવા માટે સહાયભૂત થવા ધારાસભ્યોની નિમણૂંક કરી હતી. આ ઉપરાંત કોગી કલ્યાણ સમિતિને વાર્ષિક અનુદાન તરીકે ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ આદેશને લઈ AAPના 27 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની અરજી કરવામાં આવી હતી.