હાલ ગુજરાત ભાજપમાં મોટા પાયા પર સંગઠનને લઈ વિખવાદ ચાલી રહ્યો છે. તેનો પડઘો અમદાવાદ લોકસભાનાં ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલના દિવાળીના સ્નેહમિલન સમારંભ દરમિયાન સાંભળવા મળ્યું. પરેશ રાવલે ગુજરાત ભાજપની નેતાગીરીને આડે હાથે લઈ આક્રમક રીતે શાબ્દીર પ્રહાર કર્યા હતા. ગુજરાત ભાજપના શિરમોર નેતા તરીકે હાલ વિજય રૂપાણી, નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. પરેશ રાવલે ભાજપની નેતાગીરીનો બરાબરનો ઉઘડો લીધો હતો.
આમ તો પરેશ રાવલ પોતાના મત વિસ્તારના કાર્યો આસિસ્ટન્ટ હસ્તક ચલાવે છે અને ઈચ્છા થાય ત્યારે અમદાવાદ આવે છે. પણ જ્યારે અમદાવાદ આવે છે ત્યારે તેઓ પલીતો જરૂર ચાંપી જાય છે. પરેશ રાવલ આમ તો કોંગ્રેસ પર પ્રહાર કરવા મોદી ભક્તિ કરવા માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે મોદી ભક્તિનો ઉત્તમ દાખલો પુરો પાડ્યો હતો.
15મી નવેમ્બરે અમદાવાદમાં આયોજિત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પરેશ રાવલે નેતાગીરીનો ઉઘડો લેતા કહ્યું કે નરેન્દ્રભાઈ દિલ્હી ગયા ત્યારે આપણા માટે ગુજરાતમાં લીલી વાડી મૂકતા ગયા છે, જ્યારે આપણે શું કર્યું..? આ લીલી વાડીને ઉજાડવામાં મથ્યા છીએ.. નરેન્દ્રભાઈ વારેઘડિયે ગુજરાત આવીને સ્થિતિ સંભાળવી પડે તો આપણે નગુણા કહેવાઈએ.
પરેશ રાવલની વાણીથી ગુજરાત ભાજપના નેતાઓ સડ઼ક થઈ ગયા હતા. કાર્યકરોમાં પરેશ રાવલ સામે છૂપો રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ તે સમયે કોઈએ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ બાદમાં કચવાટ શરૂ થઈ ગયો હતો પરેશ રાવલ અમદાવાદના કાર્યકરોની મહેનતથી જ જીત્યા છે અને આવી રીતે જાહેરમાં ભાજપના સ્થાનિક નેતાઓનો ફજેતો કરે તો એ કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. આવનાર દિવસોમાં પરેશ રાવલ સામે ભડકો થાય તો નવાઈ પામવા જેવું રહેશે નહી.
આમ પણ પરેશ રાવલને ટીકીટ આપવામાં આવી ત્યારે વલ્લભ કથરીયા જેવા નેતાની ટીકીટ કાપી નાંખવામાં આવી હતી. કથીરીયાની જગ્યાએ મોદી ભક્ત પરેશ રાવલને લોટરી લાગી અને તેઓ બેઠ્ઠામાં જીતી ગયા હતા. ભાજપ માટે અમદાવાદ લોકસભા સૌથી સલામત સીટ મનાય છે.