ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચનાના ભણકારા વાગી રહ્યા છે ત્ચારે સુરતમાંથી હોદ્દો મેળવવાની લાઈનમાં એક ડઝન કરતાં પણ વધારે લોકોના નામની ભલમાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વિદેશ યાત્રાએથી પરત આવી ગયા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(GPCC)ની રચના કરવનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. GPCCના લિસ્ટમાં સુરતમાંથી તાજેતરમાં જ સુરતના પ્રમુખપદેથી વિદાય લેનારા હસમુખ દેસાઈ, સુરત મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા), બાબુ કાપડીયા, શૌકત મુન્શી, ઈકબાલ મલીક, દીપ નાયક, અર્શિત જરીવાલા, અસદ કલ્યાણી, દિનેશ કાછડીયા વગેરેના નામો ચર્ચાઈ રહ્યા છે. દિનેશ કાછડીયા વિરુદ્વ વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક વીડિયો ક્લિપ બહાર પડી હતી જેને લઈને તેમની સામે ભારે વિવાદ ઉભો થયો હતો. આ નામો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ મહેન્દ્રસિંહ સુરતીયાને પણ રિપીટ કરવાની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
એવું કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસનું નવુ માળખું જમ્બો હશે અને 200થી 250 જેટલા હોદ્દેદાર હશે, લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં હોદ્દો મેળવવાની લાય લાગતા અનેક વિવાદ પણ સામે આવવાની શક્યતા જોવા મળી રહી છે. એક-બે દિવસમાં GPCCની જાહેરાતની સંભાવના જોવામાં આવી રહી છે.