છત્તીસગઢમાં અજીત જોગીના નેતૃત્વવાળી જનતા કોંગ્રેસ અને બસપા મળીને બહુમતિ હાંસલ કરવાના દાવા સાથે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જો એવું નહીં થાય તો અમારું ગઠબંધન ભાજપ કે કોંગ્રેસ સાથે બેસવાના બદલે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરશે.
પત્રકારો સાથે વાત કરતા માયાવતીએ કહ્યું કે પુરો વિશ્વાસ છે કે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે) ગઠબંધનને સંપૂર્ણ બહુમતિ મળશે, આવી સ્થિતિમાં કોઈ પણ અન્ય પાર્ટીનું સમર્થન લેવાની જરૂર રહેશે નહીં. ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત છે તો આવી સ્થિતિમાં અમે વિપક્ષમાં બેસવાનું વધુ પસંદ કરીશું.
અત્રે નોંધનીય છે કે જનતા કોંગ્રેસના અજીત જોગીએ કહ્યું હતું કે રાજનીતિમાં કોઈ પણ સંભાવનાથી ઈન્કાર કરી શકાતો નથી. આ નિવેદન અંગે રિએકશન આપતા માયાવતીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને પછાત વર્ગની કોઈ ચિંતા નથી. બન્ને પાર્ટીઓ એક જેવી છે એક નાગનાથ છે તો બીજી સાંપનાથ છે. તેમનું સમર્થન લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
બસપા અને જનતા કોંગ્રેસ છત્તીસગઢ(જે)એ સપ્ટેમ્બર મહિનામાં જોડાણ કર્યું હતું અને ગઠબંધન કરી ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. છત્તીસગઢમાં 90માંથી 55 સીટ પર જનતા કોંગ્રેસ અને 35 સીટ પર બસપા ચૂંટણી લડી રહી છે. ગઠબંઘનમાં અજીત જોગીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.