આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે પત્ની ઐશ્વર્યાથી અલગ થવા માટે કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. બન્નેના લગ્નને માત્ર 6 મહિના જ થયા છે. તેજપ્રતાપની તલાકની અરજી અંગે લાલુ પરિવાર દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી. પરિવારે તલાકની ખબરને ખોટી ગણાવી છે.
તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન આ વર્ષની 12મી મેનાં દિવસે પટનામાં થયા હતા. લગ્ન સમારંભમાં અનેક નામી હસ્તીઓ આવી હતી. ઐશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગાપ્રસાદ રાયની પૌત્રી છે. જ્યારે પિતા ચંદ્રીકા રાય સારણ પરસા બેઠક પરથી આરજેડીના ધારાસભ્ય છે.
ચારા કૌભાંડના અનુસંધાને જેલમાં બંધ લાલુપ્રસાદ યાદવને લગ્ન માટે પેરોલ પર જામીન મળ્યા હતા, તેમણે વધુને પોતાના માટે ભાગ્યાશાળી ગણાવી હતી. પરંતુ 6 મહિનામાં જ એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે ઐશ્વર્યાને સાસરેથી બહાર નીકળવું પડી શકે તેમ છે.
હકીકતમાં શરૂઆતથી જ આ લગ્નને કજોડા તરીકે જોવામાં આવી રહ્યા હતા. બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ પોતાની અળવિતરી હરકતોથી હંમેશ ચર્ચામાં રહે છે. તે કદી ભગવાન શિવ તો કદી શ્રીકૃષ્ણની જેમ વાંસળી વગાડતા નજરે પડે છે. બીજી તરફ તેમની પત્ની ઐશ્વર્યાનો પરિવાર સુશિક્ષિત છે. ઐશ્વર્યાનો અભ્યાસ પણ પટનામાં થયો છે અને તેણે દિલ્હીમાંથી એમબીએ કર્યું છે.