મધ્યપ્રદેશનાં કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથ નવા મુખ્યમંત્રી બનશે. ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલા વિજય પછી ગુરુવારે પાર્ટી હાઈકમાન્ડે કમલનાથનું નામ મુખ્યમંત્રી પદ માટે સૂચવ્યું હતું જેનો હરિફ મનાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્વીકાર કરી લીધો હતો. આ અંગે ભોપાલમાં મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં કમલનાથનું નામ જાહેર થયું હતું.
મધ્યપ્રદેશના મામલે સિંધિયા નારાજ થયા હોવાનું લાગતાં રાહુલે ટ્વીટરનો સહારો લીધો હતો અને રશિયન લેખક લિયો ટોલ્સટોયને ટાંકીને લખ્યું હતું:‘ બે શક્તિશાળી યોદ્ધાઓ અત્યંત ધૈર્યવાન જણાય રહ્યા છે.’ આ વિધાન સાથે રાહુલે સિંધિયા અને કમલનાથનો ફોટો જોડ્યો હતો.
રાહુલનાં બહેન પ્રિયંકા ગાંધી પણ તેમના નિવાસે જોવા મળ્યાં હતાં અને એવું કહેવાય છે કે કમલનાથ અને ગેહલોતના નામ અંગેની સંમતિનો સુર તેમણે જ દર્શાવ્યો હતો. આ સાથે જ રાહુલે માતા સોનિયા ગાંધીનો અભિપ્રાય પણ લીધો હતો.
દિવસ દરમિયાન કોઈપણ પ્રકારના નામની જાહેરાત ન થતાં કાર્યકરો અને નેતાઓમાં ઉચાટ જોવા મળ્યો હતો. દિલ્હીમાં પણ સમર્થકોએ પોતપોતાના નેતાઓ માટે નારેબાજી કરી હતી.