જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં ક્ષતિના કારણે યાત્રાને બનિહાલમાં રોકી દેવામાં આવી છે અને રાહુલ ગાંધીને કારમાં સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે 15 મિનિટની સુરક્ષામાં ક્ષતિ સામે આવ્યા બાદ આવું પગલું ભરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી યાત્રા આગળ નહીં વધે તેવી સ્પષ્ટતા કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં 15 મિનિટની ક્ષતિ રહી હતી. આથી જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં કાજીગુંડ ખાતે યાત્રાને રોકી દેવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના આરોપો બાદ રાહુલ ગાંધીને કારમાં લઈ જવામાં આવ્યા હતા. નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી તેમને વધુ સુરક્ષા આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ યાત્રા શરૂ નહીં કરે.
કેસી વેણુગોપાલે કહ્યું, “કોઈ સુરક્ષા નથી. અમે રાહુલ ગાંધીને સુરક્ષા વિના આગળ જવાની મંજૂરી આપી શકીએ નહીં. જો તેઓ ચાલવા માંગતા હોય તો પણ અમે મંજૂરી આપી શકતા નથી. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ અહીં આવવું પડશે.”
જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે રામબન જિલ્લાના બનિહાલથી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ઓમર અબ્દુલ્લા રેલવે સ્ટેશન પર રાહુલ ગાંધી સાથે જોડાયા હતા અને ટ્રક યાર્ડ સુધી લગભગ 2 કિમી ચાલ્યા હતા. બંનેની સાથે NC પ્રાંતીય પ્રમુખ નાસિર અસલમ વાની અને પૂર્વ NC મંત્રી સકીના સહિત નેશનલ કોન્ફરન્સના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હતા.