ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું ત્યારે ભાજપની એકતા અને એકલતા બન્ને જોવા મળી હતી. વડાપ્રધાન મોદી જ્યારે હેલિપેડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયા અને કેવડીયા પહોંચ્યા ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી જોવા મળ્યા નહી.
વડાપ્રધાન મોદી જેમ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પહોંચ્યા ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી, પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાની 6 જણાની ટીમ જ નજરે પડી હતી.
વડાપ્રધાન ગુજરાત ભાજપના સંગઠનથી નારાજ છે એવી ચર્ચા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપની જીત થઈ હોય પણ 150 સીટ તો ઠીક બહુમતિ મેળવતા ભાજપને નાકે દમ આવી ગયો હતો. ભાજપના ભૂંડા દેખાવના કારણે વડાપ્રધાન મોદી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓથી સખત રીત ખફા છે.
નજીકના ભવિષ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી વાર 26 બેઠક જીતવા માટે ગુજરાત ભાજપના સંગઠનનો પરસેવો નીકળી રહ્યો છે. આ ઉપરાંત જે પ્રકારે અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપનો જે ધખારો થયો તેને લઈને ગુજરાત ભાજપના સંગઠનની નબળાઈની વડાપ્રધાનને અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે પરતું જીતુ વાઘાણીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના સીધા આશિર્વાદ હોવાથી તેમને કોઈ આંચ સુદ્વા આવી શકી નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઐતિહાસિક પ્રોગ્રામમા વડાપ્રધાનના કાફલામાં સ્ટેચ્યુના લોકાર્પણ સહિતના અન્ય પ્રદર્શનીના કાર્યક્રમોમાં જીતુ વાઘાણી ક્યાંય દેખાયા ન હતા. આના પરથી ભાજપમાં ચર્ચા છે કે ગમે ત્યારે વાઘાણીને પ્રમુખ પદેથી ખસેડી અન્ય કોઈને પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે.