(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સર્વપ્રથમ પેટાચૂંટણી જસદણમાં યોજાઈ રહી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને લડાવ્યા છે તો કોંગ્રેસે કુંવરજીના એક વખતના સાથી અવસર નાકીયાને ટીકીટ આપી છે.અવસર નાકીયાની ઉમેદવારીથી બાવળીયા છાવણીમાં છૂપો ફફડાટ છે તો ભાજપમાં પણ બધુ સમુંસુતરું નથી. ભાજપના પાયાના કાર્યકરો અને નેતાઓ કુંવરજીને સહન કરવાના મતના નથી કારણ કે કુંવરજીની જીત ભાજપના કેટલાય નેતાઓને હાંસીયા પર ધકેલી દેશે અથવા તો તેમની રાજકીય કરિયરનું ઉઠમણું પુરવાર કરનારી બની રહેશે.
થોડી વાત બદલીએ. લોક રક્ષક દળની ભરતીનું પેપર લીક થયું અને તેમાં ભાજપના જ નેતાઓ અને કાર્યકરોની સંડોવણી બહાર આવી છે પરંતુ હજુ સુધી મોટી માછલી સુધી પહોંચતા પોલીસના હાથ ધ્રુજી રહ્યા હોય એવું લાગે છે. ભાજપની પ્રદેશ નેતાગીરીએ એવું કહીને હાથ ખંખેરી નાંખ્યા હતા કે પેપર લીક કરનારા લોકો અસામાજિક તત્વો હતા. પણ હવે ભાજપના જ કાર્યકરોની ધરપકડ થતાં ભાજપમાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે ભાજપમાં પેપર લીક કરનારા અસામજિક તત્વો કાર્યરત હતા. ભાજપના કાર્યકરો સવાલ કરી રહ્ય છે કે શું અમે અસામાજિક તત્વો ગણાઈએ છીએ.
મૂળ જસદણની પેટાચૂંટણી ભાજપના પાયાના,વફાદાર કાર્યકરો અને અસ્સ્લ કોંગ્રેસી ગોત્રના કુંવરજી બાવળીયા વચ્ચે છે. ભાજપના પાયાના કાર્યકરોની અવહેલના કરી પાર્ટીએ કુંવરજીની પાસે રાજીનામું અપાવ્યું અને માત્ર ત્રણ કલાકમાં મંત્રી બનાવ્યા એ વાત ભાજપના પાયાના કાર્યકરોને આજે પણ હજમ થઈ રહી નથી. પાર્ટીનો આદેશ છે કે કુંવરજીને હર હાલમાં જીતાડવો પણ પાયાના અને વર્ષોથી પાર્ટીને વફદાર રહેલા કાર્યકરો, આગેવાનોની સલાહ સુદ્વા લેવામાં આવી નહીં અને બધાને બળદીયાની જેમ ચૂંટણીના કામમાં જોતરી દેવામાં આવ્યા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના ઓબીસી સમાજની વાત કરીએ તો ભાજપ પાસે પરષોત્તમ સોલંકી અને તેમના લઘુબંધુ હીરા સોલંકી જેવું કોઈ મોટું નામ નથી, વાસ્તો કુંવરજીની હાલક ડોલક હોડીને પણ કિનારે લાંગરવાનો અભિક્રમ ભાજપના કાર્યકરોના માથે આવ્યું છે. પણ જો કુંવરજી જીતે તો ફાયદો કોને છે? ભાજપને? તો આનો જવાબ ના છે. ભાજપને કરતાં ફાયદો કુંવરજીને વધારે છે કુંવરજીની રાજકીય કરિયર બીજા 10-15 વર્ષ વધી જશે. ભાજપ પાસે ફાયદો એટલો થશે કે વિધાનસભામાં એક સીટ વધશે. આ ઉપરાંત જાતિગત સમીકરણમાં ભાજપ એવું કહી શકે કે અમારી સાથે કોળી સમાજ છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ભાજપમા સિનિયર મોસ્ટ પરષોત્તમ સોલંકીને મહત્વનું ખાતું અપાયું નહીં અને કુંવરજીને આપી દેવાતા સોલંકીના ટેકેદારો નારાજ છે અને રહેશે. કુંવરજી વર્સીસ પરષોત્તમ સોલંકીનો પણ આ જંગ છે. કોળી સમાજમાં સોલંકી અને બાવળીયા, એમ બન્નેમાંથી કોણ છે મહાબલિ? એ હવે લોકોએ નક્કી કરવાનું છે.
તો નુકશાન કોને થશે? નુકશાનીના માપદંડમાં રાજકોટ, સૌરાષ્ટ્રના ભાજપના અનેક નેતાઓના નામ આવી શકે છે. ઘણા બઘા નેતાઓ ઘરે બેસી શકે છે. તેમાં આગળ પડતા નામો ગણવાના હોય તો પરષોત્તમ સોલંકી, ભરત બોઘરા, દીલીપ સંઘાણી,પુરુષોત્તમ રૂપાલા, દેવજી ફતેપુરા, વલ્લભ કથીરીયા, રાજેશ ચૂડાસમા અને મનસુખ માંડવિયા જેવા મોટા નામો ગણી શકાય છે. આવા નેતાઓ આપોઆપ ભાજપમાં સાઈડ લાઈન થઈ જશે એવું ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે. જસદણમાં કુંવરજી વિરુદ્વ ભાજપમાં ઉકળતો ચરુ જરૂર છે પરંતુ પ્રદેશ નેતાગીરીએ તેને ડામી દેવામાં સફળતા મેળવી લીધી છે.