શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીથી અલગ થયા બાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન બનાવ્યું અને હવે તેની જ આગેવાનીમાં સરકાર બનાવવા જઇ રહી છે. મુંબઈનાં શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સાથે જ સમારંભ માટે મોટા મોટા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેનાં શપથ સમારંભ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (આવવાની પુષ્ટિ નથી), સોનિયા ગાંધી (આવવાની પુષ્ટિ નથી), મનમોહન સિંહ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, એમકે સ્ટેલિન, કમલનાથ, ભૂપેશ બઘેલ, રાજ ઠાકરે, અશોક ગહેલોત, અખિલેશ યાદવ અને ચંદ્રબાબૂ નાયડૂ જેવા રાજનીતિનાં મહારાથીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારંભ આજે સાંજે 6:40 વાગ્યે મુંબઈનાં શિવાજી પાર્કમાં છે.
શપથ ગ્રહણ માટે ખાસ તૈયારીઓ
એવું પહેલીવાર થવા જઇ રહ્યું છે કે શિવસેનાનાં ઠાકરે પરિવારનો કોઈ સભ્ય મુખ્યમંત્રી બનવા જઇ રહ્યો છે. આવામાં શિવસેના તરફથી આની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. શિવાજી પાર્કનાં મેદાનમાં ‘શનિવાર વાડા’ની માફક મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ક્યારેક પેશવાઓનું ગઢ હતુ. આ ઉપરાંત મેદાનમાં 70 હજારથી વધારે ખુરશીઓ લગાવવામાં આવી રહી છે. એક મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જ્યાં 100થી વધારે વીઆઈપી ગેસ્ટ બેસી શકે છે. સંપૂર્ણ મેદાનમાં અનેક એલઈડી સ્ક્રીન પણ લાગશે, તો ઘણા ગેટથી એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોણ કોણ લેશે શપથ?
ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રી પદનાં શપથ લેશે, પરંતુ તેમની સાથે જ એનસીપી અને કૉંગ્રેસ તરફથી પણ બે-બે મંત્રી શપથ લેશે. શિવસેના તરફથી સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે, એસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબલ અને કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને અશોક ચવ્હાણ શપથ લેશે.