31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરેએ અલગ અલગ જગ્યાએથી એકતા યાત્રા કાઢી છે.
હવે આ એકતા યાત્રા એટલે શું? સરદાર પટેલે 522 રાજ-રજવાડાઓને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને આની વૈશ્વિક ફલક પર પણ નોંધ લેવાઈ છે. આ રજવાડાઓમાં હિન્દુ-મુસ્લિમ બધા જ હતા પણ ભાજપની એકતા યાત્રા માત્ર ભાજપની જ એકતા યાત્રા બની રહેલી દેખાય છે. ભાજપના કાર્યકરો, આગેવાનો સિવાય એકતા યાત્રામાં ખરી એકતાના દર્શન થતાં નથી. શોભાના ગાંઠીયા જેવી એકતા યાત્રાને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવી રહી નથી.
જે રજવાડાઓએ ભારત સાથે રહેવાનુ વચન આપ્યું હતું તેમાંથી ઘણાંય રજવાડાઓનો વંશજો હાલ હયાત છે. તેઓ એકતા યાત્રામાં ક્યાંય જોવા મળતા નથી. જૂનાગઢના નવાબના વંશજો જીવિત છે. હૈદ્રાબાદને નિઝામના વંશજો હયાત છે. માત્ર ભાજપ પુરતી એકતા યાત્રા કાઢીને ભાજપના નેતાઓએ દર્શાવી દીધું છે કે તેમને મુસ્લિમોનું માત્ર નામ જોઈએ, મુસ્લિમ નહીં. મુસ્લિમો વિરુદ્વ મંચ પરથી ભાંડણલીલા નહીં કરશે તો વોટ કોણ આપશે. એન્ટી મુસ્લિમ સેન્ટીમેન્ટ પર ભાજપ અત્યાર સુધી ગુજરાતમાં રાજ કરતા આવ્યો છે અને કદાચ આવું વાતાવરણ રહ્યું તો લાંબા ગાળા સુધી રાજ કરશે પણ ગુજરાત ત્યારે પોતાની અસ્સલ ઓળખ ખોઈ બેઠું હશે.
ગુજરાતના વિકાસમાં તમામનો સહકાર છે, ત્યારે સરદાર પટેલના નામ સાથે એકતા યાત્રા નીકળતી હોય તો સીધી રીતે તેમાં એકતાના શિલ્પીની સાથે એકતાના શિલ્પકારોને પણ પોઁખવાના રહે છે, યાદ કરવાના રહે છે.
ગુજરાત ભાજપના નેતા જીતુ વાઘાણી, વિજય રૂપાણી કે નીતિન પટેલને આની સમજ હશે પણ તેઓ વોટ બેન્કના કારણોસર આ તરફ આંખમિંચામણા કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. વિવિધ સમાજો, રાજા-રજવાડાઓને જોડવાનું પૂણ્ય ભાજપ કમાઈ શક્યું નથી. ભાજપના નેતાઓ પાસે બ્રોડ માઈન્ડની અપેક્ષા રાખવી આમ તો નિરર્થક છે પણ સરદાર પટેલના નામ સાથે એકતા યાત્રા નીકળી હોય તો આટલું કહેવાનો અધિકાર બને છે કે એકતા યાત્રાના મૂળ હાર્દને પણ સિદ્વ કરવામાં આવે.
નીતિન પટેલની સ્થિતિ તો એવી છે કે તેમનું નામ કે ફોટો પણ એકતા યાત્રાના સમૂળગા આયોજનમાંથી બાદ થઈ ગયો છે. નીતિન પટેલને કોરાણે મૂકવામાં આવ્યા છે. ભાજપની અંદર જ પ્રથમ તો એકતાની જરૂર છે.