આખાય દેશમાં કોંગ્રેસે સીબીઆઇનાં કાર્યાલયો સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને મોદીની સીબીઆઇમાં દખલગિરી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન, સુપ્રિમ કોર્ટે નિવૃત ન્યાયાધીશને તપાસ સોંપી છે અને બે અઠવાડિયામાં આ તપાસનો અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે સીબીઆઇનાં મખ્ય કાર્યાલય આગળ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. રફાલ ડિલનો વિરોધ કરતા જેટનું પુતળું તેમણે લોકોને દર્શાવ્યું હતું. સીબીઆઇ વિવાદ પર કોગ્રેસે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનાવ્યું છે. કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાના નિર્ણયના વિરોધમાં સીબીઆઇ હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ભાકપા નેતા ડી રાજા અને તૃણમુલ કોગ્રેસના નદીમ-ઉલ-હક પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ લોધી રોડ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વહોરી હતી.
કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને કોગ્રેસના અન્ય નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય કોગ્રેસના અનેક કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે. રાહુલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. રાહુલે લોકોની વચ્ચે ચોકીદાર ચોરના નારા લગાવ્યા હતા. રાહુલે કહ્યું કે, કોગ્રેસ પાર્ટી ચોકીદારને ચોરી કરવા દેશે નહીં.
કોગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું કે અમે સરમુખત્યારશાહી સહન કરીશું નહીં. કોગ્રેસ નેતા અંબિકા સોનીએ કહ્યું કે, જો આજે અવાજ ઉઠાવવામાં નહી આવે તો પ્રજાતંત્ર નહી રહે. સરમુખત્યારશાહી બચશે. તમામ પેઢીએ પોતાના પડકારો જોયા છે. આજની યુવા પેઢી ભ્રષ્ટાચારને સહન કરશે નહીં. સીબીઆઇને લઇને કોગ્રેસના વિરોધ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, કોગ્રેસ પાસે લોકોના મુદ્દા નથી. અમે તપાસ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.