જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ચાર દાવેદારોન પેનલ તૈયાર કરી છે. જસદણ વિધાનસભામાંથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી છે. હવે કુંવરજી બાવળીયાને પછાડવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે તો ભાજપે પંદર જેટલા નેતાની ફોજ અત્યારથી જ જસદણમાં ખડકી દીધી છે. જસદણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને હવે વાયા કુંવરીજી ભાજપ આ ગઢને તોડી પાડવા સજ્જ થઈ ગયો છે.
કોંગ્રેસે નક્કી કરેલી ચારની પેનલમાં ભોળાભાઈ ગોહિલ, અર્ચન નાકિયા, ધીરજ શિંગાળા અને ગજેન્દ્ર રામાણીના નામનો સમાવેશ થાય છે. આ ચાર નામમાંથી અર્ચન નાકિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ગજેન્દ્ર રામાણીને પણ તક આપી શકે છે.
જે ચાર નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે તેમાં ધીરુભાઈ શીંગાળા જેઓ લેઉવા પાટીદાર ઉમેદવાર છે, તથા ઉદ્યોગપતિ અને લેઉવા પટેલ સમાજમાં સારી નામના ધરાવે છે, ત્યારબાદ બીજું નામ અર્ચન નાકિયા છે.તેઓ લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી છે.ત્રીજું નામ છે ભોળાભાઈ ગોહિલ, ભોળાભાઇ જસદણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, તેઓ કોળી સમાજના અગ્રણી છે. અગાઉ રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજી ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસમાં ફરી સક્રિય થયા હતા. ચોથું નામ ગજેન્દ્ર રામાણીનું છે. તેઓ લેઉવા પાટીદાર અગ્રણી પણ છે. છેલ્લે અર્ચન નાકીયા જેઓ પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, કોળી સમાજના અગ્રણી, ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મીડિયાને કહ્યુ હતુ કે, “જસદણ બેઠક પર દાવેદારી કરનાર તમામ લોકોએ પક્ષને જીતાડવાની નેમ વ્યક્ત કરી છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર(કુંવરજીભાઈ બાવળિયા)ના પક્ષ પલટાને કારણે લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. મતદારો પણ ભાજપ સરકારથી કંટાળીને કોંગ્રેસને જીતાડવા માટે મન બનાવી ચુક્યા છે. એટલું જ નહીં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા માટે ખુદ કોંગ્રેસના મોટા નેતાઓ પણ તૈયાર છે. ભાજપના મોટા નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે.”