જસદણની પેટાચૂંટણીને લઈ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતમાં ‘ચંદાભાઈ’ના હૂલામણા નામથી જાણીતા ચંદ્રવદન પીઠાવાળાએ જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર અને કોળી સમાજના આગેવાન અવસર નાકીયા અંગે સોશિયલ મીડિયા પર કરેલી વાતો મીડિયામાં આવ્યા બાદ ચંદ્રવદન પીઠાવાળાએ કોંગ્રેસમાં ચાલતી ગંદી રાજનીતિ પરથી પડદો ઉંચક્યો છે.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને કોંગ્રેસમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ચંદ્રવદન પીઠાવાળાએ કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. પીઠાવાળાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ કોર કમિટીમાં સમાવિષ્ટ થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલના પુત્ર સિદ્વાર્થ પટેલ અને ના ગુજરાત વિધાનસભાના તે વખતના નેતા પ્રમુખ અર્જુન મોઢવડીયા પર સીધા આક્ષેપ મૂક્યા છે.
ચંદ્રવદન પીઠાવાળાએ લખ્યું છે કે જ્યારે 2007માં બોટાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં કોંગ્રેસના નેતા વિપક્ષ તરીકે કાર્યરત અર્જુન મોઢવડીયાએ કહ્યુ હતું કે ચંદ્રવદન પીઠાવાળાને એટલા માટે ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા કે કોંગ્રેસની ડિપોઝીટ બચી જાય. પીઠાવાળાએ સીધો આક્ષેપ કર્યો હતો કે મને બોટાદમાં બલીનો બકરો બનાવવામાં આવ્યો હતો.
પીઠાવાળાએ આ ઉપરાંત સિદ્વાર્થ પટેલે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિમણૂંકનો પત્ર દબાવી રાખ્યો હતો. ઓલ ઈન્ડીયા કોંગ્રેસ દ્વારા મારી(ચંદ્રવદન પીઠાવાળા)ની નિમણૂંક કરવામાં આવી હતી પરંતુ સિદ્વાર્થ પટેલે લેટરને દબાવી રાખ્યો હતો અને પાછળથી એઆઈસીસીના નિર્ણયને પણ ઢેબે ચઢાવી દેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે તે વખતે કોંગ્રેસના પ્રભારી બીકે હરીપ્રસાદે સુરત કોંગ્રેસ પ્રમુખ તરીકેની નિમણૂંકનો પત્ર રવાના કરતા પહેલાં ચંદ્રવદન પીઠાવાળાની સંમતિ મેળવી હતી અને ત્યાર બાદ લેટર ગુજરાત કોંગ્રેસને મોકલવામાં આવ્યો હતો પરંતુ પીઠાવાળાની નિમણૂંકને ગંદી રાજનીતિના અનુસંધાને દબાવી રાખવામાં આવ્યો હતો.
પીઠાવાળાએ કહ્યું કે હાલ હું કોઈ પક્ષના રાજકારણમાં નથી. ભાજપ કે કોંગ્રેસ સાથે કશી લેવા દેવા નથી. કોળી સમાજ સાથે રમત રમાતી હશે તો મારા વિચારો વ્યકત કરતા ગભરાઈશ નહી. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી કે હાલ હું અમેરિકા છું અને ફોન બંધ કર્યો ન હતો.
તેમણે કહ્યું કે સમાજના લોકો સાથે છેતરામણી થતી હશે તો પ્રમુખ તરીકે જવાબદારી છે કે સમાજના લોકોને તેનાથી અવગત કરવા. અવસર નાકીયાને પણ કોંગ્રેસની માનસિકતાથી અવગત જ કર્યા છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદે નિમણૂંકનો લેટર અને બોટાદ ચૂંટણીને ટાંકીને તેમણે ક્હ્યું કે ફક્ત ડિપોઝીટ અને કોંગ્રેસની આબરૂ બચાવવા માટે મને બલીનો બકરો બનાવવામાં આવ્યો હતો, જીતવા માટે નહીં. તે વખતે અર્જુન મોઢવડીયાએ કહ્યું હતું કે ચંદ્રવદન પીઠાવાળાને જીતવા માટે નહીં પણ કોંગ્રેસની આબરૂ અને ડિપોઝીટ બચાવવા ઉભા રાખ્યા હતા. બીજું એ કે સુરત શહેર પ્રમુખપદના નિમણૂંક પત્રને પણ પોતાની લોબી મજબૂત કરવા માટે જ દબાવી દેવામાં આવ્યો હતો અને એઆઈસીસીની સૂચનાની પણ અવગણના કરવામાં આવી હતી.
ચંદ્રવદન પીઠાવાળા સાથે થયેલા વરવા અનુભવોને ઉજાગર કરતી ઘટના દર્શાવે છે કે કોંગ્રેસમાં કેવા પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. ચંદ્રવદન પીઠાવાળા અસ્સલ કોંગ્રેસી પરિવારમાંથી આવે છે પણ આજે તેમને કોંગ્રેસના નામથી પણ દાઝ આવી રહી છે તે તેમની વાતો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.