કોંગ્રેસમાંથી જીત્યા બાદ ભાજપમાં જઈને માંડ ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા પરાણે આવી પડેલી જસદણ-વીંછીયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજીના એક સમયના સાથી અવસર નાકીયાને ટીકીટ આપતા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતના રહીશ ચંદ્રવદન પીઠાવાલા છંછેડાઈ ગયા છે. ચંદ્રવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં અવસર નાકીયાને વણમાંગી સલાહ આપી કોંગ્રેસ પ્રત્યેનું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીઠાવાળા કોંગ્રેસના નિશાન પર સુરત લોકસભાની સીટ પરથી ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે.
ચંદ્રવવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો છે અને તેમાં તેમણે જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને સીધા શબ્દોમાં લખ્યું છે તે રાજકીય પક્ષો પોતાના હિતને સાચવવા સમાજમાં ઉભી તિરાડ પડાવી ભોગ લેવામાં કદી પાછળ પડતા નથી. અવસરભાઈ પણ મારા જ સમાજના સદસ્ય છે જે બિચારાનો ઉપયોગ થઈ રહ્યો છે જેવી રીતે મારો દુરઉપયોગ કરાયો હતો બોટાદની ૨૦૦૭ ની ચૂંટણીમાં.
પીઠાવાળાએ વધુમાં લખ્યું છે કે અવસરભાઈને વિનંતી કે પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે ચોખવટ કરી લે કે ઉમેદવારી જીતાડવા માટે કરાવી છે કે પછી ફક્ત પક્ષની આબરૂ અને ડીપોઝીટ બચાવવા માટે જ એમનો ભોગ અને સમાજમાં વિભાજન કરાવવાનું સડયંત્ર છે. મને તો હાર પછી એવું જ સાંભળવા મળેલું કે અમે તો ફક્ત પક્ષની આબરૂ અને ડીપોઝીટ બચાવવા માટે જ તમને ચૂંટણી લડવા મોકલ્યા હતા આપ કરવામાં પક્ષતો તમને ફેકીજ દેશે પણ જે સમાજના બળ ઉપર તમને ટિકિટ મળી એ સમાજ તમારી સાથે કેટલો રહેશે એ પણ વિચારવું જરૂરી છે. હું રાજકીય પક્ષનો અનુભવ કરી ચૂક્યો છું.
ચંદ્રવદન પીઠાવાળાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેમનો ટેલિફોન પર સંપર્ક કરવામા આવતા તેમનો ફોન સ્વીચ ઓફ બતાવતો હતો. આ પોસ્ટ પીઠાવાળાએ જ મૂકી છે કે કેમ તે અંગે તેમનું કન્ફર્મેશન જોઈતું હતું પણ મળી શક્યુ ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયાને ભાજપમાં પ્રવેશ આપવા માટે ચંદ્રવદન પીઠાવાળાની પ્રમુખ ભૂમિકા રહેલી હતી.