વિપક્ષી એકતાને મજબૂત કરવાના આશય સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સારા વાતાવરણમાં મુલાકાત થઈ છે. લોશાહી અને દેશના ભવિષ્યને બચાવવો છે, એટલે એક સાથે આવી રહ્યા છીએ. તમામ વિપક્ષ પાર્ટીઓએ એક થવું પડશે. ભાજપને હરાવવા માટે ચંદ્રબાબુ મહાગઠબંધનની સાથે આવ્યા છે.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભૂતકાળને ભૂલવો પડશે અને વિપક્ષોએ એકતા દર્શાવવી પડશે. રાહુલ ગાંધી અને તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુની મુલાકાત વેળા ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લા, સીએમ રમેશ અને અન્ય નેતા હાજર રહ્યા હતા.
આ પૂર્વ વિપક્ષી નેતા શરદ પવાર અને ફારુક અબ્દુલ્લા સાથે સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજી આરોપ મૂક્યો કે લોકશાહી જોખમમાં છે. નાયડુએ વિપક્ષી એકતા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લા સાથે બેઠક કરી નાયડુએ કહ્યું કે દેશના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે દિલ્હીમાં મળવાનું રાખ્યું હતું.
નાયડુએ આ સપ્તાહમાં બીજી વાર દિલ્હીની મુલાકાત લીધી હતી. આ પહેલાં 27મી ઓક્ટોબરે દિલ્હીમાં રહીને વિપક્ષી નેતાઓ ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, બસપાના માયાવતીની મુલાકાત કરી હતી
ચંદ્રબાબુ નાયડુ એક સમયે ભાજપના સહયોગી હતા. પણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં આપવામાં આવતા નાયડુએ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો.