તાજેતરમાં પુર્ણ થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ભારે પછડાટ સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે, હતાશ થયેલા ભાજપમાં આ પેટા ચૂંટણીના પરિણામ જીતની સાથે નવો ઉત્સાહ વધારનારા રહ્યા છે. જસદણની પેટા ચૂંટણીમાં ભારે મોટી લીડથી ભાજપે કોંગ્રેસના અવસર નાકીયા સામે વિજય મેળવ્યો છે.
ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સીધા કેબિનેટ મંત્રી તરીકે ગોઠવાઇ ગયા હતા. ભાજપને કુવરજી બાવળીયાના રૂપમાં નવી પ્રદેશ નેતાગીરી પણ મળી છે તો, સાથે સાથે એક કોળી સમાજના દિગ્ગજ નેતાની ખોટ પણ પુરાઇ છે.
વિજય રૂપાણી અને જયેશ રાદડીયાના ગઢમાં યોજાયેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ ભાજપની તરફેણમાં સારી એવી લીડથી આવતાં આ બંને નેતા પાસ થયા છે. સ્થાનિક ગઢમાં પોતાનું પ્રભુત્વ બેસાડવામાં બંને નેતા પાસ થયા છે. તો, કુંવરજી બાવળીયા પણ પક્ષ પલટો કરીને આવ્યા હોવા છતાં તેમનો દબદબો યથાવત રાખવામાં સફળ રહ્યા છે. આગામી સમયમાં કોળી સમાજના મુખ્ય ચહેરા તરીકે ભાજપ કુંવરજી બાવળીયાને આગળ કરી શકે છે. ત્યારે, નજીકના સમયમાં હવે કોળી સમાજના ભાજપના એક આગેવાન પરષોત્તમ સોલંકીનું પત્તું કપાઇ શકે છે.
રાજ્યના મંત્રીમંડળમાં નજીકના સમયમાં મંત્રીમંડળમાં ફેરફારની પ્રબળ સંભાવના છે. ત્યારે, મોટા ફેરફારની શક્યતા છે. ભાજપના હતાશ કાર્યકર્તાઓને આ પેટા ચૂંટણીના કારણે આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારે, કૉંગ્રેસનો ગઢ ગણાતી જસદણ બેઠકને ભાજપે કૉંગ્રેસના આયાતી ઉમેદવાર દ્વારા પડાવી લેવામાં સફળતા મેળવી છે.
ભાજપનાં વર્તુળોમાં ચર્ચાઈ રહેલી વાતો મુજબ કુંવરજી બાવળીયાને ગુજરાતના નેતૃત્વ પરિવર્તન ટાણે લોટરી લાગી શકે છે. ભાજપ દ્વારા કોળી સમાજને પોતાની તરફ વાળવા માટે કુંવરજીને મુખ્યમંત્રી તરીકેની રેસમાં પણ જોવામાં આવી રહ્યા છે. કોળી સમાજમાં પાયાને વધુ મજબૂત કરવાના આશય સાથે ભાજપ કુંવરજીને મુખ્યમંત્રી તરીકે પણ બેસાડી શકે છે. કુંવરજી માટે ભાજપમાં ગયા બાદ આવી રીતની ચર્ચા જરૂરથી કુંવરજીનો શેર લોહી વધારશે. હાલ તો મામલો જો અને તો પણ નિર્ભર રહેલો છે.