કોંગ્રેસ હાઈકમાન્ડે આખરે રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે પણ સાથો સાથે યુવા નેતાને પણ સાચવવા પડ્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીક બહાર આવ્યા બાદ કોંગ્રેસે સપા-બસપા અને અપક્ષોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં મુત્સદ્દીનો પરિચય આપ્યો છે. જોકે, મધ્યપ્રદેશમાં આ ફોર્મ્યુલા પર અમલ કરવામાં ન આવતા યુવા કોંગ્રેસીઓમાં આશ્ચર્ય ફેલાઈ ગયું છે.
રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ સત્તામાં ફરી પાછી ફરેલી કોંગ્રેસે મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. બે વાર મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોતને રાજસ્થાનનાં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને યુવા નેતા સચિન પાયલોટને નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મેરેથોન ચર્ચા વિચારણાના અંતે રાજસ્થાનમાં નેતૃત્વનો મામલાનું નિરાકરણ આવ્યું છે. એક દિવસ પૂર્વે એટલે કે ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી હીત પરંતુ રાજસ્થાનની જાહેરાત થઈ શકી ન હતી. રાજસ્થાનમાં કોંગ્રેસે યુવા નેતાના ચહેરા પર ચૂંટણી લડી હતી અને આના કારણે રાજસ્થાનમાં કોંગ્રેસના યુવા નેતાઓ અને કાર્યકરો પાયલોટના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિવાદને જોઈ રાહુલ ગાંધીએ છેવટે સીએમ અને ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલના મંજુર કરી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી વેણુગોપાલે સીએમ અને ડે.સીએમના નામની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી પદ માટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રથન પસંદ અશોક ગેહલોત હતા જ્યારે રાહુલ ગાંધી સચિન પાયલોટની તરફેણમાં હતા. કારણ કે પાછલા બે વર્ષથી રાજસ્થાન કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવાનું કામ સચિન પાયલોટે કર્યું હતું. આજે પ્રેસ કોન્ફરન્સ બાદ ગેહલોત અને પાયલોટે ટવિટર પોતાના ફોટો સાથે લખ્યું કે યુનાઈટેડ કલર્સ ઓફ રાજસ્થાન.