પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી કારમી હાર બાદ યુપીના પાટનગર લખનૌમાં ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાએ મોદી હટાઓ, યોગી લાઓનાં પોસ્ટર લગાવ્યા છે.
લખનૌમાં લાગેલા પોસ્ટરમાં પીએમ મોદીને હટાવાની વાત લખવામાં આવી છે. સાથે જ યુપીનાં મુખ્યમંત્રી યોદીને દેશના નવા વડાપ્રધાન બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. હોર્ડીંગ્ઝમાં પીએમ મોદીને જૂમલાબાજ નેતા ગણાવાયા છે.
હોર્ડીગ્ઝમાં મોદીનાં ફોટો નીચે રામ મંદિરના નામે હિન્દુઓ સાથે દગો, એસસી-એસટી એક્ટ થકી સવર્ણો પર ચાબુક, કલમ-370 અને વસ્તી વધારા પર મૌન, કાશ્મીરમાં પથ્થરબાજો પર કેસ પાછા ખેંચવા, નોટબંધીમાં 150 લોકોના મોત, ગૌરક્ષકોને ગુંડા કહેવા, જીએસટીમાં વેપારીઓને તબાહ કરવા અને સત્તામાં આવતાં જ મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા સ્લોગન લખવામાં આવ્યા છે.
જ્યારે યોગી આદિત્યનાથના ફોટો નીતે રામ મંદિર નિર્માણ અને હિન્દુ રાષ્ટ્રની પ્રતિબદ્વતા, ફૈઝાબાદનું નામ અયોધ્યા, અયોધ્યામાં દિપોત્સવ, ઈલાહાબાદનું નામ પ્રયાગરાજ, ગૌકશી પર કડકાઈ અને ગૌરક્ષકોને સંરક્ષણ, ગેરકાયદે કતલખાના બંધ કરવા, યુપીનું ભગવાકરણ અને કાવડ યાત્રાથી લઈ ડીજે પર પ્રતિબંધ મૂકવા સુધીના સ્લોગન લખવામાં આવ્યા છે.
નવનિર્માણ સેનાએ પોસ્ટરમાં લખ્યું છે કે યોગી નહીં તો વોટ નહીં. એટલેકે યોગી આદિત્યનાથ જો લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનના ઉમેદવાર બનાવવામાં નહીં આવશે તો ભાજપને વોટ આપવામાં આવશે નહીં.
આ પોસ્ટર મારફત ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાએ ધર્મ સંસદનું એલાન પણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી સુધીમાં રામ મંદિર અને વસ્તી નિયંત્રણ અંગે સંસદમાં કાયદો પસાર કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
હોર્ડીંગ્ઝ લાગ્યા બાદ તેમને દુર કરી દેવામાં આવ્યા હતા પરંતુ સોશિયલ મીડિયામાં આ પોસ્ટર વાયરલ થઈ ગયા હતા. લખનૌ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને નવનિર્માણ સેના પ્રમુખ અમિત જાની પર કેસ કરવામાં આવ્યો છે.