અયોધ્યામાં રામ મંદિરની મૂવમેન્ટ ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા ફરી શરૂ કરવામાં આવી છે અને શહેરોના નામ બદલવાની ફેશન પણ ચાલી રહી છે ત્યારે ચારેતરફથી ભાજપની ભયાનક ટીકા થઈ રહી છે.
ભાજપ ટીકાઓના વરસાદના સિલસિલામાં પાટીદાર અનામત આંદોલન અને ખેડુતો માટે આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ પણ જોડાયો છે. મધ્યપ્રદેશમાં કલ્કિ મહોત્સવ દરમિયાન હાર્દિક પટેલે મીડિયાને કહ્યું કે દેશમાં બેરોજગારી વધી ગઈ છે. ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર શહેરોના નામ બદલી રહી છે તેના બદલે હવે સરકારે 125 કરોડ ભારતવાસીઓના નામ ‘રામ’ કરી દેવા જોઈએ.
હાર્દિકે કહ્યું કે આજે દેશના લોકોને ધર્મ અને જાતિના નામ પર ઉશ્કેરવામાં આવી રહ્યા છે. દેશમાં રોજગારી મળી રહી નથી. બેકારી વધી રહી છે. જો આ દેશને ફક્ત શહેરોના નામ બદલીને સોનાની ચીડિયા બનાવી શકાતો હોય તો હું માનું છું કે દેશની 125 કરોડ જનતાનું નામ બદલીને રામ રાખી દેવું જોઈએ. આ દેશમાં બેરોજગારી અને ખેડૂતોના મોટા અને ગંભીર પ્રશ્નો છે ત્યારે આપણે નામ બદલવામાં અને પ્રતિમાઓ બનાવવામાં લાગ્યા છીએ.
કલ્કિ મહોત્સવમાં માનવતા, દેશભક્તિ અને પ્રેમનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આયાર્ય પ્રમોદ કૃષ્ણમ, કમ્પ્યુટર બાબા, ચક્રપાણી મહારાજ, દિગ્વિજય સિંહ, તારીક અનવર અને શિવપાલ યાદવ હાજર રહ્યા હતા.