ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19મી જૂને ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ માટે હજી પણ એક ચાન્સ છે કે જે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભામાં જતા અટકાવી શકે છે. જો તેમ થાય તો કોંગ્રેસના 8 ધારાસભ્યો તોડ્યાં પછી પણ ભાજપનું નાક કપાઇ શકે છે.
અત્યારે તો કોંગ્રેસ માટે રાજ્યસભામાં બે બેઠકો જીતવી કપરી દેખાઇ રહી છે. કોંગ્રેસને ધારાસભ્યોના મત લેવા માટે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને બન્નેમાંથી કોઇ ઉમેદવારી જતી કરે તેમ નથી.
શક્તિસિંહને હાઇકમાન્ડના ઉમેદવાર માનવામાં આવે છે તેથી તેઓ પહેલો પ્રેફરન્સ બન્યા છે જ્યારે ભરતસિંહ સોલંકીનું અલગ ગ્રુપ છે જે માધવસિંહના સમર્થકોનું કહેવાય છે. તેઓ તેમના સમર્થક ધારાસભ્યોને અલગ ટ્રીટ કરી રહ્યાં છે, જ્યારે શક્તિસિંહ માટે ધારાસભ્યોને પાર્ટનો મેન્ડેટ મળેલો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ક્રોસવોટીંગ થાય તેવી શક્યતા નહીવત છે.
વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા 77 પરથી ઘટીને 65 થયેલી છે. કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના કહેવા પ્રમાણે કોંગ્રેસને બીજી બેઠક જીતવા માટે બે મતોની આવશ્યકતા છે. જો કોંગ્રેસને એનસીપીનો એક અને બીટીપીના બે મતો મળી જાય તો બીજા ઉમેદવાર આસાનીથી જીતી શકે છે પરંતુ એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારને મત આપવાનું નક્કી કર્યું છે તેથી જો ભાજપના કોઇપણ ધારાસભ્યનો મત રદ્દબાતલ થાય તો કોંગ્રેસનો સીધો ફાયદો થઇ શકે છે.
ભૂતકાળમાં ભાજપની સરકારના કેબિનેટ મંત્રી આરસી ફળદુનો મત રદ્દબાતલ થયો હતો. બઘાંની નજર બીટીપીના બે ધારાસભ્યો પર મંડરાયેલી છે. અન્ય એક અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અગાઉ જાહેર કરી ચૂક્યાં છે કે તેઓ કોંગ્રેસને મત આપશે, એટલે કે કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો થવા જાય છે. સૂત્રો કહે છે કે કોંગ્રેસને બીટીપીના બે મતો મળે અને પાર્ટીના ધારાસભ્યોમાંથી ક્રોસવોટીંગ થાય નહીં તો કોંગ્રેસ રાજ્યસભાની ચાર બેઠકો પૈકી બે બેઠકો જીતી શકે છે, અન્યથા ભરતસિંહની હાર નિશ્ચિત છે.