નવસારીના નવનિયુક્ત પ્રમુખ નિરવ નાયકની સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્વ એલફેલ લખનારા સુરેશ પાંડેને નવસારી કોંગ્રેસે શો કોઝ નોટીસ ફટકારી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્વાર્થ દેસાઈએ સુરેશ પાંડે વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નોટીસ સહિતનો રિપોર્ટ પ્રદેશ કમિટીને મોકલી આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના દિવસોમાં પાંડેને સસ્પેન્ડ કરવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે.
સુરેશ પાંડેએ ફેસબુક પર પોતાની આઈડી પર નવસારી કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયેલા નિરવ નાયકન નિમણૂંકને લઈ વિવાદી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં સુરેશ પાંડેએ અમિત ચાવડા અને નિરવ નાયક પર બેફામ આક્ષેપ કર્યા હતા. સુરેશ પાંડે દ્વારા કરવામાં આવેલા બેફામ આક્ષેપોની ગંભીર નોંધ લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શિસ્તભંગના પગલા ભરવા અંગેની કારણદર્શક નોટીસ આપી દીધી છે.
આખાય વિવાદ અંગે નિરવ નાયક સાથે વાત કરતા તેમણે “સત્ય ડે”ને જણાવ્યું કે સુરેશ પાંડે અંગે પ્રદેશને વિગતવાર રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખે શો કોઝ નોટીસ આપી છે. નવસારી કોંગ્રેસમાં બધાને સાથે રાખીને ચાલવાનો મારો અભિગમ છે અને રહેશે. સુરેશ પાંડેએ વ્યક્તિગત રીતે સોશિયલ મીડિયામાં આવા પ્રકારના આક્ષેપો કર્યા છે એ પક્ષની શિસ્તનો ભંગ કરે છે અને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ સુરેશ પાંડે સિનિયર કોંગ્રેસી નેતા છે. તેઓ નવસારીના પ્રમુખ પદ માટેના દાવેદાર હતા અને નિરવ નાયકની વરણી થતાં તેમણે સોશિયલ મીડિયા પર બેફામ આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. એવું કહેવાય છે સુરેશ પાંડેને કોંગ્રેસના પ્રદેશ નેતાના આશિર્વાદ છે. આ પ્રદેશ નેતા અમિત ચાવડા વિરોધી હોવાનું કહેવાય છે અને હાલ તેમને પ્રદેશમાં કોઈ પૂછતું નથી. આ ઉપરાંત નવસારી અને સુરતના કેટલાક કોંગ્રેસીઓ પણ અમિત ચાવડા વિરોધી અભિાયાન ચલાવી રહ્યા છે. જેની પણ પ્રદેશ કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. હોદ્દાની આ લડાઈ આવનાર દિવસોમાં વધુ વકરે તેવા એંધાણ મળી રહ્યા છે.