Murshidabad Violence મુર્શિદાબાદ હિંસા પર રાજકીય ઘમાસાણ:TMC-ભાજપ વચ્ચે ઘર્ષણ તીવ્ર બન્યું
Murshidabad Violence પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસાએ રાજકીય તૂફાન ઊભું કરી દીધું છે. હિંસાની આ ઘટનામાં ત્રણ લોકોના મોત અને અનેકના ઘાયલ થવાના અહેવાલ વચ્ચે હવે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે આક્ષેપ-પ્રત્યક્ષેપોનો વરસાદ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં TMC ધારાસભ્ય મદન મિત્રાએ દેશભરમાં હિંસા માટે વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથને જવાબદાર ઠેરવ્યા છે, તો બીજી તરફ ભાજપે આ હિંસાને મમતા બેનર્જીના તુષ્ટિકરણના રાજકારણનું પરિણામ ગણાવ્યું છે.
મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન
ટીએમસીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય મદન મિત્રાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, “દેશમાં જ્યાં પણ રમખાણો થઈ રહ્યા છે, તેના માટે મોદી, અમિત શાહ અને યોગી જવાબદાર છે.” તેમણે વધુમાં એવો દાવો કર્યો કે ભાજપ 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. મદન મિત્રાએ કહ્યું કે, “ભાજપ વકફ કાયદા જેવી નીતિઓ લાવીને દેશભરમાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.”
ભાજપનો પ્રહાર: તુષ્ટિકરણનું પરિણામ
બીજી તરફ, ભાજપના નેતા દિલીપ ઘોષે ટીએમસી સરકાર પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, મુર્શિદાબાદને પશ્ચિમ બંગાળથી અલગ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેમણે એવો દાવો પણ કર્યો કે, “હિન્દુ વિસ્તારોમાં ઘાતકી હુમલા અને તોડફોડ થઈ રહી છે, અને હિન્દુઓની હત્યા પછી પણ રાજ્ય સરકાર દાવા કરે છે કે કંઈ થયું જ નથી.”
ઘટનાનું વિસ્તૃત પરિપ્રેક્ષ્ય
હિંસા શુક્રવારે માલદા, દક્ષિણ 24 પરગણા, હુગલી અને મુર્શિદાબાદમાં ફાટી નીકળી હતી. સ્થળોએ પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવ્યા હતા. શમશેરગંજ અને મેડિકલ કોલેજ વિસ્તારમાં થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.