Tamil Nadu Politics: AIADMK નેતાનું નિવેદન, ભાજપ સાથે ચૂંટણી પછીના ગઠબંધનથી ઇનકાર, રાજકીય ગણિત ખોરવાયું
Tamil Nadu Politics તમિલનાડુના રાજકારણમાં ફરી એકવાર ખલબલાટ સર્જાયો છે, કારણ કે AIADMKના વડા એડાપ્પડી કે. પલાનીસ્વામી (EPS)એ એવું નિવેદન આપ્યું છે જે ભાજપ સાથેના તાજેતરના ગઠબંધનને ધક્કો પહોંચાડી શકે છે. EPSના નિવેદન અનુસાર, AIADMK ફક્ત 2026ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન રાખશે, પરંતુ ચૂંટણી પછી ગઠબંધન સરકાર નહીં બનાવે.
આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે, ખાસ કરીને ત્યારે જ્યારે થોડા દિવસ પહેલા જ બંને પક્ષો ચેન્નઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. આ જાહેરાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ EPSના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કહી હતી અને NDAમાં AIADMKના જોડાણને ઐતિહાસિક કહ્યું હતું.
તેમ છતાં, EPSનું તાજેતરનું નિવેદન એ સંકેત આપે છે કે AIADMKના અંદરના વર્ગો ભાજપ સાથેના ગઠબંધનથી અસંતોષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી અંદરથી મતભેદોથી ઘેરાઈ છે, ખાસ કરીને મુસ્લિમ મતદાતાઓને લઈને. વક્ફ કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધને જોતા, AIADMK પોતાનું સમીકરણ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મુસ્લિમ વોટ બેંક ગુમાવવાની ભીતિને લીધે EPS એ આ પૂર્વ સંકેત આપ્યો હોવાનું મનાય છે.
AIADMKના ઘણા નેતાઓએ શરૂઆતથી જ ભાજપ સાથેના ગઠબંધનનો વિરોધ કર્યો હતો. તેમણે ચૂંટણીમાં આ ગઠબંધનથી પારંપરિક સમર્થકો દૂર થઈ જશે તેવી ચિંતાઓ વ્યક્ત કરી છે. EPSના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી ચૂંટણી પછી સંપૂર્ણ સ્વતંત્રતા જાળવવા માંગે છે અને સરકાર રચનામાં ભાજપના દખલથી બચવા ઈચ્છે છે.
હાલમાં ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી, પરંતુ EPSના આ નિવેદનથી NDAમાં અંદરો અંદર તણાવ સર્જાયાની આશંકા છે. જો ભાજપ AIADMKના સહયોગ વિના તમિલનાડુમાં ચૂંટણીઓ લડશે તો તેનું કામ મુશ્કેલ બની શકે છે, કારણ કે રાજ્યમાં તેનું એકલુ વર્ચસ્વ હજુપણ મજબૂત નથી.
આ નિવેદનથી સ્પષ્ટ છે કે તમિલનાડુમાં આગામી મહિનાઓ રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ ઉતાર-ચઢાવભરા રહેશે, અને BJP-AIADMK ગઠબંધનનું ભવિષ્ય હજુ અનિશ્ચિત છે.