Karnataka: CBI પર લગામ લગાવનારું કર્ણાટક દેશનું 11મું રાજ્ય
Karnataka: રાજકીય કિન્નાખોરીથી કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ થતી હોવાના આક્ષેપો સાથે અગાઉ જ 10 રાજ્યોમાં પૂર્વ સંમતી વીના CBIની તપાસ શક્ય નથી
Karnataka: કર્ણાટક સરકારે રાજ્યમાં કેસોની તપાસ કરવા માટે સીબીઆઇને આપેલ સંમતિ પરત લેવાનો નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્ય સરકારની પરવાનગી વગર કર્ણાટકમાં પ્રવેશ કરી શકશે નહીં. આ સાથે Karnataka કેન્દ્રીય એજન્સી પર લગામ તાણનારું દેશનું 11મું રાજ્ય બની ગયું છે.
વિપક્ષ શાસિત રાજ્યનું શક્તિશાળી રાજકીય શસ્ત્ર
દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કલમ 2 હેઠળ, તાજેતરમાં, અન્ય કેટલાક રાજ્યોએ પણ સીબીઆઈને આપેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હતી. સીબીઆઈ પાસેથી સામાન્ય સંમતિ પાછી ખેંચવી એ હવે વિપક્ષી પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં એક શક્તિશાળી રાજકીય સાધન હોવાનું જણાય છે. સામાન્ય સંમતી પાછી ખેંચવા પર થતી અસરો.
એજન્સી બેરોકટોક રાજ્યમાં તપાસ કરી શકે છે
સીબીઆઈ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946ના નિયમો હેઠળ કામ કરે છે. કાયદાની કલમ 6 હેઠળ, સીબીઆઈ રાજ્યમાં કોઈપણ ગુનાની તપાસ શરૂ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની સામાન્ય સંમતિ એટલે કે મંજૂરી ફરજિયાતપણે મેળવે છે. સામાન્ય રીતે મોટાભાગની રાજ્ય સરકારો સામાન્ય સંમતિ આપે છે અને આ સાથે એજન્સી કોઈપણ અવરોધ વિના રાજ્યમાં ગમે ત્યાં તપાસ કરી શકે છે.
CBIએ નાના કેસોમાં પણ રાજ્યની મંજૂરી લેવી પડે
જો રાજ્ય સરકાર આ સામાન્ય સંમતિ પાછી ખેંચી લે તો સીબીઆઈ રાજ્ય સરકારને પૂછ્યા વિના કોઈપણ કેસની તપાસ કરી શકે નહીં. નાના કેસોમાં પણ એજન્સીએ રાજ્યમાંથી મંજૂરી લેવી પડે છે. ભ્રષ્ટાચાર હોય કે અન્ય કોઈ મામલો સામે આવે, સીબીઆઈ રાજ્ય સરકારની પરવાનગી વિના તપાસ કરી શકતી નથી.
હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટના આદેશથી CBI તપાસ કરી શકે
સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાથી સીબીઆઈ રાજ્યમાં જવા શક્તિહીન બની જાય છે એટલે કે કોઈ તપાસ માટે જઈ શકતી નથી. જે રાજ્યોમાં સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવામાં આવી છે, ત્યાં સીબીઆઈ પરવાનગી વિના તપાસ માટે જઈ શકે નહીં. જો કે, જો સીબીઆઈને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ કેસની તપાસ કરવાનો આદેશ આપવામાં આવે તો તેને રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી.
CBI તપાસની સામાન્ય સંમતી પાછા ખેંચનારા રાજ્યો
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કેરળ, મિઝોરમ, ઝારખંડ, મેઘાલય, છત્તીસગઢ, પંજાબ અને તેલંગાણા અને તામિલનાડુએ કોઈપણ કેસમાં તપાસ શરૂ કરતા પહેલા સીબીઆઈની પરવાનગી લેવી ફરજિયાત બનાવી છે.
2023માં તામિનાડુએ CBIની પ્રવેશબંધી કરી હતી
અગાઉ 2023ના જૂન માસમાં જ તમિલનાડુમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના લીધે સીબીઆઈએ રાજ્યમાં કોઈપણ કેસની તપાસ માટે તમિલનાડુ સરકારની પરવાનગી લેવી પડશે. તમિલનાડુ સરકારનું આ પગલું મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે વિપક્ષની ફરિયાદો વચ્ચે આવ્યું હતું. આ ઉપરાંત અગાઉથી જ નવ રાજ્યોએ પણ કેન્દ્રીય એજન્સીની રાજ્યમાં તપાસને લઈને આ લગામ તાણી રાખી છે.
CBI ને કેવી રીતે કેસ મળે છે
સીબીઆઈ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશોમાં કલમ 3 હેઠળના ગુનાઓની પોતાની જાતે તપાસ શરૂ કરી શકે છે. રાજ્યોમાં તપાસ શરૂ કરતા પહેલા સીબીઆઈએ કલમ 6 હેઠળ રાજ્ય સરકાર પાસેથી મંજુરી લેવી જરૂરી છે.
CBIને 4 રીતે કેસ સોંપી શકાય છે
- કેન્દ્ર સરકાર પોતે સીબીઆઈ તપાસનો આદેશ આપે.
- હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપે.
- રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સીબીઆઈ તપાસની ભલામણ કરે.
- કોઈપણ કેસ અંગે જાહેર માંગ હોવી જોઈએ. આ કેસ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
દરેક કેસની સમીક્ષા બાદ સંમતી આપાશે
કર્ણાટકમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠક પછી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબલિશમેન્ટ એક્ટ, 1946 હેઠળ કર્ણાટક રાજ્યમાં ગુનાહિત કેસોની તપાસ માટે સીબીઆઇને સામાન્ય સંમતિ આપતું નોટિફિકેશન પરત લઇ લેવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ હતી. આ નોટિફિકેશન એટલા માટે પરત લેવામાં આવ્યું છે કારણકે એક બાબત સ્પષ્ટ છે કે સીબીઆઇ અથવા કેન્દ્ર સરકાર પોતાના સાધનોનો ઉપયોગ કરતી વખતે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતી નથી. તેથી અમે દરેક કેસની સમીક્ષા કર્યા પછી સંમતિ આપીશું. સામાન્ય સંમતિ પરત લઇ લેવામાં આવી છે.
નિર્ણય અંગે સરકારનો બચાવ
શું એમયુડીએ કેસમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો કોર્ટે આ કેસમાં લોકાયુક્ત પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. શું ભાજપ દ્વારા કર્ણાટક મહર્ષિ વાલ્મિકી અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ ફંડમાં હેરાફેરીના કેસની સીબીઆઇ તપાસ કરાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો આ કેસ સાથે આ બાબતને કોઇ લેવા દેવા નથી કારણકે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું રાજ્યના પ્રધાને જણાવ્યું હતું.