Pahalgam Terror Attack: આતંકવાદીઓ 40 મિનિટ સુધી ગોળીઓ ચલાવતા રહ્યા, લાઈવ વીડિયો સરહદ પાર મોકલાયો
Pahalgam Terror Attack 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયો આતંકવાદી હુમલો સમગ્ર દેશને ધ્રુજાવી દેનારો બની રહ્યો. પોલીસના યુનિફોર્મમાં આવેલા આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 26 નિર્દોષ લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. હુમલો લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો અને ચોંકાવનારી વાત એ છે કે હુમલાનો વીડિયો આતંકવાદીઓએ બનાવીને લાઈવ સરહદ પાર મોકલી દીધો હતો.
બૈસરન ખીણ, જ્યાં ફક્ત પગપાળા અથવા ખચ્ચરના માર્ગે જ પહોંચી શકાય છે, ત્યાંનો ગોળીબાર એટલો અચાનક અને ભારે હતો કે સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા. ઘણા ઘાયલોને ત્યાંના રહેવાસીઓએ ખચ્ચર પર લઈ નીચે લાવ્યા. હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલોની હાલત હાલ સ્થિર છે.
https://twitter.com/ANI/status/1914976763886571582
આ ઘટનાના પગલે ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વિદેશ યાત્રા ટૂંકાવી અને પરત ફરી સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. સંરક્ષણ મંત્રાલયમાં ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ત્રણેય સેનાઓના વડાઓ હાજર રહ્યા હતા અને આતંકવાદીઓ વિરુદ્ધ શક્ય પ્રતિસાદના વિકલ્પો પર ચર્ચા થઈ.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમરનાથ યાત્રા માટે તૈયારીઓ ચાલી રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી યાત્રા માટે પહેલગામ માર્ગ મહત્વપૂર્ણ છે. આતંકીઓએ આ સ્થળને ટાર્ગેટ કરી ભારતના પ્રવાસન અને ધાર્મિક સ્થિરતાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
આ ઘટનાની સમગ્ર દેશભરમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ હુમલાને “કાયરતાપૂર્ણ” અને “ભારતની અખંડિતતા પર હુમલો” ગણાવ્યો છે, જ્યારે પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “આ આપણા સૌના હૃદય પર હુમલો છે. કાશ્મીર શરમ અનુભવે છે.”
હવે આખો દેશ આ કૃત્યના દોષીઓને શીખ આપવાની રાહ જોઈ રહ્યો છે — કારણ કે હવે માત્ર શોક નહીં, પ્રતિસાદ આપવાનો સમય આવી ગયો છે.