Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલાના પગલે LOC પર તણાવ, ભારતે ઉગ્ર પ્રતિસાદ આપ્યો
Pahalgam Terror Attack જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. હુમલા બાદ ભારતે તાત્કાલિક અને દ્રઢ પગલાં ભર્યા છે. ભારતીય વાયુસેનાએ યુદ્ધ કવાયત શરૂ કરી છે અને આર્મી ચીફને સરહદ પર રવાના કરાયા છે. બીજી તરફ, પાકિસ્તાન સેનાએ પણ નિયંત્રણ રેખા (LOC) પર સૈનિકોની તૈનાતીમાં વધારો કર્યો છે.
હુમલાના જવાબમાં ભારતે અનેક મક્કમ પગલાં લીધાં છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ નિર્ણય યથાવત્ રહેશે. એટલું જ નહીં, ભારતે અટારી સરહદ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાનના રાજદ્વારીને સમન્સ પાઠવ્યા છે.
આ હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે આતંકવાદી સૈફુલ્લાહ કસુરીનું નામ સામે આવ્યું છે. જો કે, કસુરીએ એક વીડિયોમાં દાવો કર્યો છે કે તેનો આ હુમલાથી કોઈ લેવાદેવા નથી અને આ હુમલાનું કાવતરું ભારતે પોતે જ ઘડ્યું છે. જોકે, ભારતે આ દાવાને ખોટો ઠેરવ્યો છે અને આતંકવાદી આસિફ શેખના ઘરને વિસ્ફોટથી ઉડાવી દીધું છે.
#WATCH | Morning visuals from Pahalgam in J&K, where a horrific terror attack took place at Baisaran meadow, on the 22nd of April, claiming the lives of 26 people, including 25 Indians and one Nepali citizen. pic.twitter.com/uo0yX0HUHm
— ANI (@ANI) April 25, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે હુમલામાં જાન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદીઓને ચેતવણી આપી કે આ હુમલાનું કાવતરું ઘડનારા તમામને કડકથી કડક સજા મળશે.
હાલ, પહેલગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે, પણ સરહદ પર તણાવ યથાવત છે. બૈસરન ખીણથી શાંતિપૂર્ણ દૃશ્યો સામે આવ્યા છે, તેમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ આગળ શું વળાંક લેશે એ પર સમગ્ર દેશની નજર છે.