સેવાલિયાના થર્મલ પાવર સ્ટેશનમાં સોમવારે 225 મીટર ઉંચી ચિમની ઉપર ચઢેલા શ્રમજીવીનું નીચે પટકાવાથી ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ફરી એકવાર યુનિટ 8 વિવાદોમાં આવ્યું છે અને અગાઉ પણ સેફ્ટીના અભાવને કારણે અહીં 2 શ્રમજીવીઓના મોત થઇ ચૂક્યા છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. હાલમાં આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
થર્મલ પાવર સ્ટેશનના યુનિટ 8નું કામ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે. જોકે છાશવારે સર્જાતિ દુર્ઘટનાઓને કારણે આ યુનિટમાં કામ કરતાં 1500 જેટલા શ્રમજીવીઓના માથે સતત જોખમ ઝળુંબતું જોવા મળે છે. 6 ખાનગી કંપનીઓ હાલમાં આ યુનિટમાં અલગ અલગ ફેઝ ઉપર કામ કરી રહી છે, ત્યારે યુનિટમાં કામ કરતાં શ્રમજીવીઓની સેફ્ટીને લઇને કોઇ જ ગંભીરતા દાખવવામાં આવતી નથી. અહીં ભૂતકાળમાં સેફ્ટીના અભાવે 2 શ્રમજીવીઓના મોત નીપજ્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ પગલાં ભરવામાં ન આવતાં સોમવારે વધુ એક શ્રમજીવી બેદરકારીનો ભોગ બન્યો હતો.
સોમવારે રોજની જેમ જ યુનિટ 8માં કામ કરતાં રામશંકર છોટાભાઇ ગુપ્તા (તૈલી) (ઉ.વ.35) (રહે.ઉત્તર પ્રદેશ) સવારે પોતાના કામે લાગ્યા હતા. તેઓ યુનિટ 8માં તૈયાર થઇ રહેલી ચિમની ઉપર 225 મીટરની ઉંચાઇ ઉપર કામ કરી રહ્યા હતા તે સમયે એકાએક તેમનો પગ લપસતાં તેઓ નીચે પટકાયા હતા. 145 મીટરે બનાવવામાં આવેલ પ્લેટફોર્મ ઉપર તેઓ પટકાતા તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, રામશંકરના પરિવારમાં 4 પુત્રી અને એક પુત્ર ઉપરાંત પત્ની અને ભાઇઓ મળીને કુલ 20 સભ્યો છે. આ તમામનો રામશંકર આધારસ્તંભ હતા. તેઓ ઉપર નભતાં પરિવારના સભ્યો તેમના અકાળે અવસાનથી ભાંગી પડ્યા હતા.
રામશંકરના પરિવારમાં 4 પુત્રી અને 1 પુત્ર ઉપરાંત પત્ની અને ભાઇઓ મળીને કુલ 20 સભ્યો છે. આ તમામનો રામશંકર આધારસ્તંભ હતા. અગાઉ પણ યુનિટ 8 માં સેફ્ટીના અભાવને કારણે બે શ્રમજીવીઓના મોત નીપજ્યા હતા. જે તે સમયે પણ સેફ્ટીને લઇને ભારે હોબાળો થયો હોવા છતાં પણ જાણે સંબંધીત અધિકારીઓને શ્રમજીવીઓના જીવની કાંઇ પડી જ ન હોય તેમ સેફ્ટીનો અભાવ યથાવત રહેતા, સોમવારે વધુ એક શ્રમજીવી યુનિટ 8 ની કામગીરી દરમિયાન મોતને ભેટ્યો હતો.