નડિયાદ શહેરમાં હત્યાના ગુનાઓ શોધવામાં પોલીસ વામણી પુરવાર થઇ રહી છે. છેલ્લા પાચ માસમાં શહેરમાં બે મહિલાઓની હત્યા થઇ ચૂકી છે, પરંતુ આ હત્યાઓ કોણે કરી? શા માટે હત્યાઓ કરવામાં આવી છે? આ બનાવોનું કારણ કોઇ પારિવારીક દુશ્મની હતી કે અન્ય કઇ? આ તમામે પ્રશ્નોના જવાબો મેળવવામાં પોલીસના લાંબા હાથ ક્યાંકને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુલાઇ માસ દરમ્યાન અને પીજ ભાગોળ વિસ્તારમાં નવેમ્બર માસ દરમ્યાન બે મહિલાઓની હત્યાના બનાવો બન્યા છે.
પોલીસના ચોપડે હત્યાના ગુનાને એક ગંભીર ઘટના તરીકે ગણવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં આવી ઘટના બને ત્યાંની પોલીસ આ પ્રકારના ગુનાને અંજામ આપનાર ગુનેગારોને પકડવા માટે દિવસ રાત – આકાશ પાતાળ એક કરી દેતી હોય છે. પરંતુ નડિયાદ શહેરમાં કંઇક ઉલટી જ ગંગા વહેતી નજરે પડી રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિતેલા પાચ માસ દરમ્યાન બે મહિલાઓની હત્યા થઇ ચૂકી છે. પરંતુ બંને ગુના હજુ સુધી વણઉકલ્યા છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓને અંજામ આપનારા ગુનેગારો કેમ હજુ સુધી સમાજમાં આઝાદ ફરી રહ્યા છે તેવા પ્રશ્નો હવે લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.
પોલીસ ચોપડે નોધાયેલા ગુનાઓની વાત કરીએ તો ગત તા.૨૦ જુલાઇના રોજ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમા આવેલ દુર્ગાપાર્ક સોસાયટીમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. લતાબેન હર્ષભાઇ પટેલ (ઉં.૫૩)નામની મહિલા ઘરે કામ કરી રહ્યા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘુસી ગયા હતા. જે બાદ તેમના ગળાના ભાગે તી-ણ હથિયારના ઘા મારી તેમજ તેમની છાતી પર બોથડ પદાર્થથી માર મારી મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાના ગુનાની તપાસ કરી રહેલી પોલીસને આજદિન સુધી કોઇ કડી હાથ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું નથી. શહેર પશ્ચિમ પોલીસ પણ આ મામલે હાલ કઇ પણ બોલવા તૈયાર નથી. હત્યારાઓ કોઇ નજીકના વ્યક્તિ હોઇ શકે છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું પશ્ચિમ પી.આઇ. એસ.એસ. મલ્હી હાલ જણાવી રહ્યા છે. તો હત્યાની બીજી ઘટનાની વાત કરીએ તો ગત તા.૧૦ નવેમ્બર દરમ્યાન શહેરના અતિ ભીડભાડવાળા અને ચોવીસે કલાક ધમધમતા પીજ ભાગોળ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા શાંતાબેન ભીખાભાઇ પ્યારેલાલ પંડિત (ઉંમર ૭૫)નામની વૃધ્ધાની હત્યાનો બનાવ બન્યો હતો. તા.૧૦ નવેમ્બરના રોજ સવારના ૧૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી વૃધ્ધાના હાથ અને પગ બાંધી દઇ ગુંગળાવી દઇ હત્યા કરી હતી. સવારે ૧૦ વાગ્યે તેમનો ભાણેજ અરવિંદ ગીરીરાજ કિશોર પંડિત તેમની ખબર પૂછવા ઘરે આવ્યો ત્યારે તેણે વૃધ્ધાને હત્યા થયેલી હાલતમાં જોતા પોલીસને ફોન કરી જાણ કરી હતી. વૃધ્ધાની હત્યાના આ બાદ શહેરમાં એકલવાયું જીવન જીવતી મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે એક અઠવાડિયાનો સમય થવા છતા નડિયાદ ટાઉન પોલીસ પણ આ ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નિવડી છે. શરૂઆતમાં મિલકત માટે વૃધ્ધાની હત્યા થઇ હોવાનું અનુમાન રાખનારી પોલીસને હજુ સુધી હત્યાના ગુનામાં કોઇ કડી મળીશકી નથી.