મુંબઈમાં એક દર્દી સાથે એવી ઘટના થઈ કે પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા. મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. યેલપ્પા નામના 24 વર્ષના દર્દીએ આરોપ મુક્યો હતો કે, મારી આંખ નજીકના હિસ્સાને ઉંદરો કાતરી ગયા હતા અને તેનાથી આંખને નુકસાન પહોંચ્ય છે. મંગળવારે ઘાટકોપર વિસ્તારમાં આવેલી બીએમસીની રાજાવાડી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલના તંત્રનુ કહેવુ છે કે, દર્દીની આંખને કોઈ નુકસાન થયુ નથી. માત્ર આંખની ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે.યેલપ્પાની બહેનના કહેવા પ્રમાણે હાલમાં જ મારા ભાઈની આંખની સર્જરી કરવામાં આવી હતી. હું તેમને મળવા માટે ગઈ ત્યારે ડાબી આંખ પર ઈજાનુ નિશાન દેખાયુ હતુ. આ બાબતની મેં ડોકટરોને જાણકારી આપી હતી. એ પછી મારા ભાઈને બીજા બેડ પર શિફ્ટ કરવામાં આવ્યો હતો. બહેનનુ કહેવુ છે કે, યેલપ્પાની હાલત ગંભીર છે. જ્યારે હોસ્પિટલના ડીનનુ કહેવુ છે કે, આંખમાં કોઈ ઈજા થઈ નથી અને સારવાર ચાલી રહી છે. જોકે આ ઘટનાને ટાળી શકાઈ હોત. ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો કચરો ફેંકે છે ત્યારે ઉંદરો ત્યાં પહોંચી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અંગે સતર્કતા રાખવામાં આવશે. દરમિયાન આ વાતની જાણ થતા મુંબઈના મેયર પણ દર્દીને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યુ તહુ કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉંદરો દ્વારા દર્દીની આંખ કાતરવામાં આવે તે ઘટના ગંભીર છે.
