મુંબઈના સિંચાઈ કૌભાંડમાં જેનું નામ સંડોવાયેલુ છે તેવા 41 વર્ષના ડેમ કોન્ટ્રેક્ટર જિગર ઠક્કરે પોતાની જાતને મરિન પ્લાઝા હોટેલની સામે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઠક્કરે મંગળવારે રાત્રે આ અંતિમ પગલુ ભરી લીધુ હતુ.
અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ઘાટકોપરમાં રહેતા અને ડી. ઠક્કર કંસ્ટ્રક્શન ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા ઠક્કરે જાહેર ક્ષેત્રની બેન્ક પાસેથી 100 કરોડની લોન લઈને ચૂકવી નહતી. સૂત્રોના જાવ્યા મુજબ, “તે વિદર્ભ વિસ્તારમાં સૌથી મોટો ઈરિગેશન કોન્ટ્રેક્ટર હતો અને તેનું વાર્ષિક ટર્ન ઓવર 400 કરોડથી વધારે હતુ.”
ગયા મહિને મહારાષ્ટ્રના એન્ટિ-કરપ્શન બ્યુરોએ ઠક્કર અને અન્ય કેટલાંક લોકો સામે ઈરિગેશન સ્કેમમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કૌભાંડ અંગે પહેલવહેલી જાણકારી અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ 2012માં આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે “આ ઘટના સાંજે 6.30 આસપાસ ઘટી હતી. ઠક્કર ચેમ્બુરથી તેના ડ્રાઈવર સાથે આવ્યો હતો. કાર હોટેલ મરીન પ્લાઝાની સામે પાર્ક કરવામાં આવી હતી. ઠક્કર પાછળની સીટ પર બેઠો હતો. તેણે તેના ડ્રાઈવરને ઉતરી જવા કહ્યું અને પોતાની ખોપડીમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.”
ગોળીનો અવાજ સાંભળીને ડ્રાઈવરે કારમાં જોયુ તો તે ઠક્કરને લોહીલુહાણ અવસ્થામાં જોઈને આઘાત પામી ગયો. બિલકુલ સમય બગાડ્યા વિના તે કારને એક ખાનગી હોસ્પિટલ પાસે લઈ ગયો પરંતુ હોસ્પિટલે તેને ક્રાફડ માર્કેટ નજીક સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. સરકારી જીટી હોસ્પિટલે ઠક્કરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલે મરીન ડ્રાઈવ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઠક્કરની લાયસન્સ્ડ રિવોલ્વર અને કાર જપ્ત કરી હતી. આ બંદૂકને બેલિસ્ટિક એનાલિસિસ માટે મોકલવામાં આવશે.
પોલીસની ટીમે પંચનામુ તૈયાર કર્યું છે જ્યારે બીજી એક ટીમે ડ્રાઈવર સુનિલ સિંહનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. અત્યાર સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું, “અમને તેની ડીલને લગતા કેટલાક દસ્તાવેજો મળ્યા છે અને અમે તેની ખરાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઠક્કરનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો અને તે ભાંગી પડ્યો હતો.”
મંગળવારે ઠક્કરે નરિમન પોઈન્ટ આવેલી બેન્કની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તેના નાના ભાઈ વિશાલે જણાવ્યું, “અમે ખૂબ જ તણાવમાં હતા.” જિગર ઠક્કરના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. મરીન ડ્રાઈવ પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારને રોકડની ખૂબ જ અછત પડી રહી હતી. સૂત્રોના જણાવ્યા મુબ જિગર પોતાનો 100 કરોડનો ક્રેન બિઝનેસ વેચી દેવા માંગતો હતો.
જિગર પર કોન્ટ્રેક્ટ લેવા માટે ખોટા દસ્તાવેજો બનાવવાનો આરોપ હતો. જાન્યુઆરીમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ ઠક્કર અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. વિદર્ભ ઈરિગેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં કોન્ટ્રેક્ટ લેવામાં અનિયમિતતા જોવા મળી હતી. ખોટા ટેન્ડરના આધારે મેસર્સ આર.જે શાહ અને ડી. ઠક્કર કન્સ્ટ્રક્શને 56.57 કરોડનો કોન્ટ્રેક્ટ ગોસીખુર્દ પ્રોજેક્ટનો કોન્ટ્રેક્ટ લઈ લીધો હતો. આ માટે નિયમો સાથે તોડ-મરોડ કરવામાં આવી હતી.
એન્ટિ કરપ્શન બ્યુરોને ઠક્કરની કંપની દ્વારા તૈયાર કરાયેલા નકલી દસ્તાવેજોની નકલ આપવામાં આવી હતી. કોન્ટ્રેક્ટરે દર્શાવ્યું કે તેની કંપની આ કામ કરવા સક્ષમ છે પરંતુ વાસ્તવમાં તેમની પાસે આ કામ કરવાનો કોઈ અનુભવન જ નહતો. આ કામ માટે ત્રણ બિડર હતા જેમાંથી બે ઠક્કરની કંપની સાથે સંકળાયેલા હતા. આર જે શાહ અને ડી ઠક્કર કંપની પાસે ટેન્ડરની શરતો અનુસાર બિડ કેપેસિટી પણ નહતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.