નવી મુંબઈના ૫૦મા સેક્ટરથી સીવૂડ્ઝ સ્ટેશને જવા માટેના રોડ પરના વૃક્ષો પરથી ગઈ કાલે સવારના સમયે રીતસરનો વરસાદ પડયો હોય તેમ વાહનો અને રીહદારીઓ પર સેંકડોની સંખ્યામાં મેન્ગ્રોવ મોથ કેટરપીલર્સ (સુંદરી વૃક્ષોના પાન પર ઇંડાં મૂકતાં પતગિંયાં જેવા પાંખોવાળા જીવડાંની ઇયળ) પડવા સાથે ટ્રાફિક જામ થયો હતો. તદુપરાંત લોકોમાં ભય ફેલાયો હતો. મેન્ગ્રોવ મોથની ઇયળો સામાન્ય રીતે ઓક્ટોબરમાં જોવા મળતી નથી, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ક્લાયમેટચેન્જને કારણે કાદચ આટલી મોટી સંખ્યામાં ઇટળો એકત્રીત થઈ હોય.
ઇયળોના ‘વરસાદે’ સીવૂડ્ઝમાં ભય ફેલાયો હતો અને અનેક લોકોએ ત્વાચામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારે વિવિધ રોડ સહિત વૃક્ષો અને સમગ્ર વિસ્તારને પાણીનો છંટકાવ કરી ધોવા પડયા હતા. ફરી આવી ઘટના ન બને તે માટે અમારે વૃક્ષોની ડાળીઓ પણ કપાવવી પડશે. સૌ પ્રથમ વખત આવી ઘટના બની છે. સતત મોટી સંખ્યામાં પડતી ઇયળો બાબતે કાર્યવાહી કરવાના લોકોના ફોનકોલની જવાબી કાર્યવાહીમાં નેરુલ ફાયર બ્રિગેડે વૃક્ષોની ડાળીઓ કાપી નાખી હતી.
નેરુલ વોર્ડ ઓફિસર શશીકાંત ટંડેલે જણાવ્યું હતું કે પાલિકાના આરોગ્ય વિભાગે બુધવારે આ વિસ્તારમાં મલેરિયા ઉપદ્રવને અટકાવવા દવાનો છંટકાવ કર્યો હતતો. કદાચ તે કારણે ઇયળો મેન્ગ્રોવ્ઝ (સુંદરીવૃક્ષો)ના વિસ્તારને છોડી માનવવસતિના વિસ્તારમાં આવી હોય.