મુંબઇ: આ વર્ષના અંત સુધીમાં નરીમન પોઇન્ટ અને કાલાઘોડા એમ મુંબઇના બે મહત્ત્વના વિસ્તારમાં દુકાનો અને ધંધાદારી પેઢીઓ ૨૪ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી મળી જશે એવી શક્યતા જણાઇ રહી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ચોવીસે કલાક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવા સરકાર વિચારી રહી છે. હાલમાં લેબર અને પોલીસ વિભાગ નવા કાયદાની આકારણી માટે કામ કરી રહી છે. પ્રાથમિક તબક્કામાં પસંદગીના વિસ્તારમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે.
રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. નોકરીની તકો ઊભી કરવા સરકારે દુકાનો અને ધંધાદારી પેઢીઓને ૨૪ કલાક ખુલ્લી રાખવાનો વિચાર વહેતો મૂક્યો છે. ત્રણ શિફ્ટમાં કામ ચાલતાં વધુ લોકોને નોકરી મળશે. મેક ઇન ઇન્ડયા અને મેક ઇન મહારાષ્ટ્ર સ્કીમ હેઠળ રોજગારની તકો ઊભી કરવા ઉપરોક્ત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
પ્રાથમિક તબક્કામાં નરીમન પોઇન્ટ અને કાલાઘોડા વિસ્તારમાં પરવાનગી આપવાની મુંબઇ પોલીસે ભલામણ કરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહેશે તો અન્ય વિસ્તારમાં આવી પરવાનગી આપવા અંગે વિચારણા કરવામાં આવશે, એમ સાધનો પાસેથી જાણવા મળ્યું હતું.
મુંબઇમાં આશરે ૮ હજાર બાર ઍન્ડ રેસ્ટોરન્ટ છે, જેમાંથી ૨ હજાર હાઇ પ્રોફાઇલ કમર્શિયલ વિસ્તાર ગણાતા નરીમન પોઇન્ટ, પરેલ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, અંધેરી અને મલાડમાં આવેલા છે.
ઑગસ્ટ મહિનામાં વિધાનસભાના ચોમાસુ સત્રમાં શોપ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું હતું. આ ઠરાવ હેઠળ દુકાનો, સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, હૉટલો અને ધંધાદારી પેઢીઓને ૨૪ કલાક ખુલ્લા રાખવા માટે લાઇસન્સ લેવું પડશે અને પોલીસની પરવાનગી લેવી પડશે.
જોકે, ગૃહ ખાતું આ બાબતે સ્પષ્ટ નથી. ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવતા વધુ કર્મચારીઓની જરૂર પડશે અને પોલીસની જવાબદારી પણ વધી જશે. શનિ-રવિમાં મરીન ડ્રાઇવ, જુહુ, શિવાજીપાર્ક અને ચોપાટીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે એવામાં દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે તો કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ પર કામનો ભાર વધી જશે.
પોલીસનું કહેવું છે કે કમર્શિયલ વિસ્તારમાં આ પૉલીસી અમલમાં મૂકાયા બાદ રહેવાસી વિસ્તારમાંથી પણ આવી માગણી થઇ શકે છે. કમર્શિયલ વિસ્તારમાં ઑફિસના કલાકો બાદ ખાસ ભીડ જોવા મળતી નથી, પરંતુ રહેવાસી વિસ્તારમાં જે ઇમારતોમાં બાર ઍન્ડ રેસ્ટોરન્ટ આવેલા છે ત્યાં સમસ્યા ઊભી થઇ શકે છે અને આવી ઇમારતના રહેવાસીઓની શાંતિમાં ખલેલ પહોંચી શકે છે.
હૉટલ ઍન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના કેટલાક સભ્યોનું માનવું છે કે સરકારે શરૂઆતમાં મુંબઇ સેન્ટ્રલ, દાદર અને બોરીવલી જેવા ૨૪ કલાક ધમધમતા રહેતા રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં આવેલી હૉટલો અને દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવી જોઇએ. અહીં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તો આગળ વિચાર કરવો જોઇએ.