કડીઃ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સંબંધોને લાંછન લગાડો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં માત્ર 32 દિવસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે બાળકીના માતા-પિતા અને દાદા-દાદી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. નાનકડી બાળકીનું ગળું દબાવીને હત્યા કરવાનો ખુલાસો ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું 22-12 -2019ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને પેનલમાં અમદાવાદ ખાતે પીએમ કરાવવામાં આવ્યુ હતું.
પોલીસે વધુમાં જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નીપજાવવાની હકીકત બહાર આવી. જેથી આ અંગે ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાળકીની માતા, પિતા, દાદા, દાદી સામે કરવામાં આવી છે. તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક ધોરણે જોતા એક દીકરી હોવાથી બીજી દીકરીની હત્યા કરી હોવાનું જણાય છે. પરંતુ આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે.
પોલીસ દ્વારા આ ફરિયાદ ગઇકાલે રાતે નોંધવામાં આવી હતી. આજે એટલે રવિવારે પણ આ પરિવાર ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે. આ ઘટના પ્રકાશમાં આવતા આસપાસના રહેવાસીઓમાં પણ ગળગળાટ શરૂ થયો છે.