મહેસાણાઃ ક્યારેક ઘર કંકાસના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કંકાસની ચરમસીમાની હદ આવી જાય છે અને પતિ-પત્ની છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં બન્યો હતો. અહીં મહેસાણા શહેરની 40 વર્ષની મહિલા 4 સંતાનો હોવા છતાં નાની મોટી વાતે વહેમાતા પતિથી કંટાળી હતી. તાજેતરમાં ઘરની બહાર બેસવા બાબતે પતિએ બોલાચાલી કરી મહિલાને ઘરમાં રહેવું હોય તો પોતાના નિયમ મુજબ રહેવું પડશે તેવું સ્પષ્ટ કહેતાં મહિલાની હાલત કફોડી બની હતી.
મહિલાએ 181 અભયમની મદદથી એક મહિના અગાઉ સાસરી છોડીને મહિલા પિયરમાં રહેવા ગઇ હતી. તે સમયે પતિ તેણીને સમાધાન કરી પોતાની સાથે લઇ ગયો હતો, પરંતુ પુન: તેમના વચ્ચે ઝઘડો થતાં પિયર જતી રહેલી મહિલાએ મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત નારી સહાયતા કેન્દ્રમાં પતિથી છુટાછેડા મેળવવા અરજી કરી હતી.
તું તૈયાર થઇને કેમ ફરે છે… તું મકાનની બહાર ઓટલા પર કેમ બેઠી હતી.. તેવા વહેમીલા પતિ દ્વારા રોજબરોજ પૂછાતા સવાલોથી કંટાળી મહિલાએ મહેસાણા નારી સહાયતા કેન્દ્રમાં છુટાછેડા અપાવવા અરજી કરી હતી. બે મહિલા કાઉન્સિલરોએ સતત ત્રણ વખત દંપતીને બોલાવી કરેલી સમજાવટને અંતે મહિલાએ વહેમ નહીં કરવાની શરતે 4 સંતાનો સામે જોઇને સમાધાન કરી એક મહિના બાદ સાસરીમાં પરત આવવા નિર્ણય લીધો હતો. આમ, દંપતીનું 17 વર્ષનું લગ્નજીવન ફરી સંધાયું હતું.
જેને પગલે મહિલા 181ના કાઉન્સિલર યામિની રાઠોડ અને નિલમ પટેલે દંપતીને ત્રણ વખત ભેગા કરી કરેલા કાઉન્સેલિંગને પગલે મહિલાએ તેના 4 બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પતિ સાથે પરત જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પતિ વહેમ નહીં કરે તેવી શરત પણ મૂકી હતી.
પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થતાં ચાર સંતાનોનું ભવિષ્ય ઉજળું થયું હતું. મહેસાણા 181 અભયમની ટીમ દ્વારા શહેરમાં કેટલાય લોકોનાં ઘર ભાંગતાં બચાવવામાં આવ્યાં છે. બંને પક્ષે સમાધાન કરી સફળતા અપાવવામાં આવે છે.